લેસ્ટરઃ પોલીસે શુક્રવાર, પહેલી મેના દિવસે લેસ્ટરના નારબરો રોડ પર અકસ્માતનાં મૃત્યુ પામેલા મોટરસાયકલિસ્ટ યુવાન ૩૩ વર્ષીય વિનય જેઠવાનું નામ જાહેર કર્યું છે. ફુલહર્સ્ટ એવન્યુ અને ઈવશામ રોડના જંક્શન નજીક બપોરે ૧૨.૨૦ કલાકે બ્લુ અને વ્હાઈટ હોન્ડા મોટરબાઈકને સાંકળતી અથડામણમાં ગુજરાતી યુવાન વિનય જેઠવાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
લેસ્ટરમાં રહેતા વિનય જેઠવા અગાઉ સેઈન્સબરી સુપરમાર્કેટ્સની ઓનલાઈન સર્વિસમાં ડ્રાઈવર તરીકે કામ કરતા હતા અને તેમની કામગીરી લેસ્ટરના ફોસ પાર્ક ખાતે હતી. તેઓ ભાનુમતીબહેન અને હિંમતલાલ ઝીણા છગન જેઠવાના પુત્ર અને નટુભાઈ કચરા પરમારના પૌત્ર હતા. તેમની યાદમાં શાંતિસભાનું આયોજન સોમવાર, ૪ મેએ પેસ્ટર લેન, લેસ્ટરના વાંઝા કોમ્યુનિટી સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું.
ઓનલાઈન ટીમ લીડર શેરીલ બોસફિલ્ડે આ ઘટના વિશે આઘાત વ્યક્ત કર્યો હતો. તેમણે વિનયને હસમુખા અને સારા માનવી તરીકે ગણાવ્યો હતો. પોલીસને અથડામણની ઘટના વિશે માહિતી આપનાર અથવા સાક્ષીની તલાશ છે. જેને જાણકારી હોય તેમણે ૧૦૧ ફોન નંબર પર ડિટેક્ટિવ પેટ ડેવિસનો સંપર્ક સાધવા જણાવાયું છે.