લેસ્ટરઃ ગુરુ નાનક જયંતી નિમિત્તે લેસ્ટરમાં આયોજિત શોભાયાત્રામાં હજારો શીખ ભાઈ-બહેનો જોડાયા હતા. ૧૯૯૨થી નીકળતી શોભાયાત્રાનો પ્રારંભ ગુરુદ્વારા બહાર પરંપરાગત પ્રાર્થના- કીર્તન સાથે થયો હતો. નગર કીર્તન ધાર્મિક યાત્રા ઈસ્ટ પાર્ક રોડસ્થિત ગુરુ તેગબહાદૂર ગુરુદ્વારાથી નીકળી, શહેરમાં ફરીને હોલી બોન્સમાં ગુરુ નાનક ગુરુદ્વારા પહોંચી હતી.
શોભાયાત્રાની સૌથી મોખરે ઢોલ વગાડતા શીખ યુવાનની પાછળ તલવારો અને બેનરો સાથે ધાર્મિક સૂત્રો પોકારતા ‘પંજ પ્યારે’ ચાલતા હતા. ૩૦ જેટલા પુરુષ, મહિલા અને બાળકો સાવરણીથી રસ્તો સાફ કરી ‘ગુરુ ગ્રંથ સાહિબ’ સાથેના રથના માર્ગમાં ફૂલોની પાંદડીઓ વેરતા હતા. શોભાયાત્રાને નિહાળવા લોકો મોટી સંખ્યામાં રસ્તાની બાજુએ એકત્ર થયા હતા. યાત્રાના રૂટ પરના સાતથી આઠ જેટલા સ્ટોલ પરથી શોભાયાત્રામાં સામેલ લોકો તેમજ અન્ય લોકોને શીખ સંપ્રદાયની લંગર પરંપરા અનુસાર ભોજન અને પીણું અપાયું હતું.
ગુરુ તેગબહાદૂર ગુરુદ્વારાના સેક્રેટરી એમ એસ સાંઘાએ જણાવ્યું હતું કે શહેરમાં ૧૯૯૨થી દર વર્ષે શોભાયાત્રા નીકળે છે. નાનક જયંતીના પ્રસંગમાં પરિવારો અને તમામ વયના લોકો ભાગ લે છે. શીખ કાઉન્સિલ, યુકેના લેસ્ટરમાં રહેતા કરતાર સિંઘે જણાવ્યુ હતું કે વૈવિધ્યતાની ઉજવણી રૂપે શહેરમાં શોભાયાત્રા નીકળે ત્યારે હંમેશા ખૂબ સાનુકુળ વાતાવરણ હોય છે. લેસ્ટર ફોરેસ્ટ ઈસ્ટના બલબીર કૌરે જણાવ્યું હતું,‘ અમારી ધાર્મિક ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રાના આયોજનનું અમને ગૌરવ છે.’