લેસ્ટરઃ સાત વર્ષ સુધી કવિતા (સાચુ નામ નથી)એ ઘરમાં જ નરકની યાતના અનુભવી હતી. આ ઘરનો હિસ્સો હોવાનું તેને કદી લાગ્યું નથી. જોકે, આખરી ૧૨ મહિનામાં મુક્ત થવાની હિંમત કેળવતાં પહેલા તેણે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. ઘરેલુ હિંસા અને ધાકધમકીથી ત્રસ્ત અન્ય સ્ત્રીઓની માફક જ ૩૧ વર્ષની કવિતાએ તેના બે વર્ષના પુત્ર સાથે લેસ્ટરની ચેરિટી એક્શન હોમલેસના બ્રિજ હાઉસમાં આશ્રય મેળવ્યો હતો. હવે તે સ્વતંત્ર જીવન જીવવા માટે સજ્જ છે.
ભારતના ગુજરાતમાં ઉછરેલી કવિતા તેની ત્રણ બહેન અને ૭૦ લોકોના સંયુક્ત પરિવારમાં રહેતી હતી. ૨૪મા વર્ષે લગ્ન કરી તે પતિ અને આઠ વ્યક્તિના નવા પરિવાર સાથે ઈંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ્સમાં બે બેડરૂમના ઘરમાં રહેવા આવી હતી. તેના પતિનો જન્મ અને ઉછેર ઈંગ્લેન્ડમાં જ થયો હતો. લગ્નના ત્રણ મહિના પછી તે ઘરમાં સફાઈથી માંડી પતિના ૯૨ વર્ષના દાદીમાની સારસંભાળનું કાર્ય કવિતાના માથે હતું. જોકે, માથાભારે સાસુ અને સસરાનો ત્રાસ અને માગણીઓ વધુ હતી. રીતરિવાજ અનુસાર લગ્નમાં કવિતાને અપાયેલું સોનુ પણ તેમણે કબજે લઈ લીધું હતું.
કવિતા અને તેનો પતિ અલગ ઘરમાં ભાડે રહેવા ગયા, પરંતુ પતિને અકસ્માત થતાં તે કામે જઈ શકતો ન હોવાથી સાત-આઠ મહિનામાં સાસરે પાછા જવું પડ્યું હતું. કવિતાને પશ્ચિમી વસ્ત્રો પહેરવા અને ઈન્ટરનેટના ઉપયોગની મનાઈ ફરમાવાઈ હતી. તેનો પતિ શરાબ અને જુગારના રવાડે ચડી ગયો હતો અને ઘરમાં ઝગડાં વધી ગયા હતા. એક દિવસનો પતિએ કવિતાને માર માર્યો અને આ તો માત્ર શરૂઆત હતી. કવિતા કહે છે ભારતમાં અમે ૭૦ લોકો સાથે રહેતાં હતાં અને કોઈ એકબીજા સાથે ખરાબ વર્તન કરતું ન હતું. માર તો મોટું આશ્ચર્ય હતું. પતિએ માફી તો માગી પણ ત્રણ મહિના પછી ફરી હાથ ઉપાડ્યો હતો. પુત્રજન્મ પછી પણ સાસુ-સસરાનો અત્યાચાર ઓછો થયો નહિ. પતિની મારઝૂડ પણ વધી હતી.
સહનશક્તિની હદ આવતાં કવિતાએ ઘર છોડવાં નિર્ણય લીધો હતો. પોલીસ તેને અને પુત્રને નેબરહૂડ સેન્ટરમાં લઈ ગયા હતા. કવિતાને ઘરેલુ હિંસા સામે કામ કરતી વિમેન્સ એઈડ ચેરિટીની મદદ મળી અને ડર્બીમાં આશ્રય મળ્યો હતો. તેને ચેરિટી એક્શન હોમલેસ દ્વારા પતિથી છૂટા પડવાની હિંમત અને સ્વતંત્ર જીવન જીવવા તમામ સપોર્ટ મળ્યા હતા.