પ્રોસિક્યુટર જેમ્સ હાઉસે જ્યૂરીને જણાવ્યું હતું કે પોતાને કમાલજી તરીકે ઓળખાવતો અશરફી ચાલાક, ઠગ અને છેતરપીંડી કરનાર વ્યક્તિ છે. લોકોએ આંધળો વિશ્વાસ રાખી મિત્રો તથા અન્યો પાસેથી ઉછીના નાણા અને લોન લઈને પણ તેને નાણા આપ્યા હતા, જેથી લોટરી જીતી શકાય. તેણે લોકોને આંજી દેવા હવામાંથી પ્રાર્થના માટેના મણકા અને રાખ જેવી વસ્તુ લાવવાના જાદુ પણ કર્યા હતા. લેસ્ટરના બાબિંગ્લી એવન્યુના પૂર્વ નિવાસી અશરફી સાઈ બાબા સાથે લીન હોવાનું માની આવા ચમત્કાર કરી શકતો હોવાનું લોકો માનતા થયા હતા. તેણે મૃગની કસ્તુરી જેવી અમૂલ્ય ચીજો પ્રાથર્ના માટે આવશ્યક હોવાનું જણાવી જાન્યુઆરીથી એપ્રિલ ૨૦૧૪ના ગાળામાં ૧૮ વ્યક્તિ પાસેથી નાણા પડાવવા ઉપરાંત, ગત ફેબ્રુઆરીમાં એક દંપતીને બ્લેકમેલ કરી ૫૦,૦૦૦ પાઉન્ડ પડાવ્યા હતા.
પ્રોસિક્યુટરે જણાવ્યું હતું કે અશરફીએ મુખ્યત્વે લેસ્ટર એશિયન કોમ્યુનિટી સહિત હજારો પત્રિકાઓ વહેંચાવી હતી. તેણે રેડિયો સ્ટેશનો અને અખબારોમાં ફેઈથ હીલિંગની ચમત્કારિક શક્તિ અને જ્યોતિષ જ્ઞાનની સેવાથી લોકોની અંગત સમસ્યા, બીમારી, ધંધાકીય સહિતની મુશ્કેલી નિવારવામાં મદદરૂપ થવાની જાહેરાતો આપી હતી. અશરફી પોતાના કાન પાસે હાથ રાખી સાઈ બાબા સાથે વાત કરતો હોય તેવો દેખાવ કરતો હતો. ટ્રાયલ હજુ ચાલી રહી છે.