લેસ્ટરઃ બોસ્વર્થ ફિલ્ડના યુદ્ધમેદાનમાં મૃત્યુને વરેલા અને અનામી કબરમાં કોફીન વિના રઝળતા મૂકી દેવાયાના આશરે ૫૦૦ વર્ષ પછી કિંગ રિચાર્ડ ત્રીજાના મૃતદેહે તેમના આખરી મુકામ તરફ પ્રયાણ કર્યું છે. લેસ્ટર કેથેડ્રલમાં ગુરુવારે રાજકુળનાં સગાંની હાજરીમાં છેલ્લાં અંગ્રેજ રાજાને એક રાજવીને છાજે તેવી વિધિ પછી દફનાવવામાં આવશે.
જે રાજાની ગાદી છીનવી લેવાઈ હોય, જેની પ્રતિષ્ઠાને કલંક લાગ્યું હોય અને જેમનું શબ ૫૦૦થી વધુ વર્ષથી લાપતા હોય તેવા રાજવીનું સન્માન કરવાની બાબત શાહી અને કાનૂની શિષ્ટાચાર માટે મૂંઝવનારી બની હતી. કિંગ રિચાર્ડ ત્રીજા માટે વિવિધ સર્વિસીસ અને સરઘસોનું આયોજન કરાયું છે, જ્યારે તેમનું ઓક કોફીન સ્મશાનયાત્રા સાથે તેમને મારી નખાયા હતા તે સ્થળની નજીક લઈ જવાયું હતું. યુનિવર્સિટી ઓફ લેસ્ટર ખાતે કિંગ રિચાર્ડ ત્રીજાના વંશજો અને કિંગના અવશેષો શોધી કાઢનારા પુરાતત્વશાસ્ત્રીઓએ કોફીન પર હાઉસ ઓફ યોર્કના પ્રતીક સફેદ ગુલાબ અર્પણ કર્યા હતા.
મધ્યયુગના વસ્ત્રોમાં સજ્જ અને હાથમાં ટોર્ચ સાથે અનેક લોકો સ્મશાનયાત્રાને નિહાળવા યુદ્ધમેદાન પર આવી પહોંચ્યા હતા. આ કોફીન લેસ્ટરની મધ્યયુગીન સરહદ બો બ્રિજ ખાતે લવાયા પછી અશ્વો દ્વારા ખેંચાતી ગન કેરેજમાં કેથેડ્રલ લઈ જવા દરમિયાન શહેરની યાત્રા કરશે. પ્લેન્ટાજેનેટ વંશના આખરી રાજા રિચાર્ડે ૧૪૮૩થી લેસ્ટર નજીક રણભૂમિમાં હત્યા થઈ તે ઓગસ્ટ ૧૪૮૫ સુધી ઈંગ્લેન્ડ પર શાસન કર્યું હતું. આ પછી ટ્યુડોર વંશનું શાસન શરુ થયું હતું.