લેસ્ટરઃ અગ્રણી બિઝનેસમેન નરેશ પરમારે ૧૮મી સદીના જર્જરિત કન્ટ્રી મેન્શનને હોટેલ અને કોન્ફરન્સ હોલમાં તબદીલ કરવાની યોજના લેસ્ટર સિટી કાઉન્સિલ સમક્ષ મૂકી છે. ગ્રેડ-ટુ લિસ્ટેડ બ્રાઉનસ્ટોન હોલ ઈમારતની નવસજ્જા તેમ જ આસપાસના પાર્કમાં કાફેના નિર્માણની પ્લાનિંગ અરજીને કાઉન્સિલે આવકારી છે. નરેશ પરમાર અને કાઉન્સિલ વચ્ચે સાત વર્ષની વાટાઘાટોના પગલે આ અરજી કરવામાં આવી છે.
નરેશ પરમાર પ્લાનિંગની પરવાનગી અપાય તે શરત સાથે બ્રાઉનસ્ટોન પાર્કસ્થિત પ્રોપર્ટીની ૧૨૫ વર્ષની લીઝ માટે ૨૦૧૩માં સંમત થયા હતા. તેમની દરખાસ્તમાં લગ્નસ્થળ માટે પણ ઉપયોગમાં લઈ શકાય તેવા બોલ રુમના નિર્માણનો સમાવેશ થાય છે. લેસ્ટર સિવિક સોસાયટીના સ્ટુઅર્ટ બેઈલીએ જણાવ્યું હતું કે સોસાયટીએ બિલ્ડિંગના નવીનીકરણની પરમારની યોજનાને ૨૦૦૮થી ટેકો આપ્યો છે.
નરેશ પરમારે ભૂતકાળમાં લેસ્ટર સિટી સેન્ટરમાં સિટી રુમ્સ અને બેલગ્રેવ હાઉસનો જીર્ણોદ્ધાર કરેલો છે. તેમણે કહ્યું હતું કે,‘આ ઈમારત ભારે સંભાવના ધરાવે છે. તેમાં ઘણું કામકાજ કરવાનું છે, પરંતુ અમે તેની ભૂતકાલીન ભવ્યતાને પુનઃસ્થાપિત કરવા માગીએ છીએ. ’