લેસ્ટરઃ આધ્યાત્મિક નેતાની હત્યાને નિષ્ફળ બનાવનારા બલદેવસિંહ અને ચાકુથી સજ્જ સ્ત્રીને શાંત પાડનારા ડોક્ટર લ્યુસી પીઅર્સન અને જનતાના અન્ય સભ્યો સહિત પોલીસ ઓફિસરોનું લેસ્ટરશાયર પોલીસે સન્માન કર્યું હતું. બહાદુરી, ફરજ પ્રતિ સમર્પણ અને નિઃસ્વાર્થતાની ઉજવણીના બે દિવસના સમારંભનું અધ્યક્ષસ્થાન લેસ્ટરશાયર ચીફ કોન્સ્ટેબલ સિમોન કોલે સંભાળ્યું હતું.
ક્રિમિનલ્સને ન્યાય સમક્ષ હાજર કરનારા અથવા ખતરનાક સશસ્ત્ર લોકો તેમજ જોખમનો જીવસટોસટ સામનો કરનારાને એવોર્ડ એનાયત થયા હતા. બહાદુરીનો એવોર્ડ મેળવનારાં ડો. લ્યુસી પીઅર્સને તેમની સર્જરીમાં ચાકુના ઘ સાથે આવેલી વ્યક્તિનો પીછો કરનારી હુમલાખોર સ્ત્રીનો ધીરજથી સામનો કર્યો હતો. ઓગસ્ટ ૨૦૧૩માં યુકેની પ્રથમ મુલાકાતે આવેલા શીખગુરુ ઉદયસિંહજીની કુહાડીથી હત્યા કરવાના પ્રયાસને બલદેવસિંહે આગળ આવીને ખાળ્યો હતો. તેઓ એવોર્ડ લેવા ભારતથી લેસ્ટર આવ્યા હતા.