લેસ્ટરઃ પોતાની વેબસાઈટ પર લેબર પાર્ટી અને લિબરલ ડેમોક્રેટ્સ પર આક્રમણ કરવા સાથે કન્ઝર્વેટિવ્ઝની લગભગ તરફેણ કરવાના મુદ્દે ચેરિટી કમિશન નેશનલ કાઉન્સિલ ઓફ હિન્દુ ટેમ્પલ્સ (NCHT)નો સંપર્ક કરશે. લેસ્ટરમાં શ્રી સનાતન મંદિરના તેની ઓફિસ આવેલી છે. ચેરિટીએ હિન્દુઓ અને અન્યોને સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીને મત આપવા અપીલ કરી હતી.
તેની વેબસાઈટમાં ‘ધાર્મિક સંપ્રદાયોના તમામ સભ્યો અને તમામ બ્રિટિશ ધાર્મિક પરંપરાના સભ્યોને ખુલ્લો પત્ર’ ત્રીજી મેએ પ્રસિદ્ધ કરાયો હતો. ‘ધાર્મિક સંપ્રદાયો’માં હિન્દુઈઝમ અને સંબંધિત અન્ય ધર્મો શીખ, બૌદ્ધ અને જૈનનો સમાવેશ પણ થાય છે. પત્રમાં લખાયું છે કે,‘ લેબર પાર્ટી અને લિબરલ ડેમોક્રેટ્સે તેઓ ચૂંટાય તો બ્રિટનમાં જ્ઞાતિપદ્ધતિ આવે તેવો કાયદો તત્કાળ દાખલ કરશે. આવા કાયદાથી તેમના પર જ્ઞાતિ ભેદભાવના આક્ષેપો થવાની ગંભીર ચિંતા હિન્દુ અને અન્ય સમુદાયોને છે.’ ચેરિટીએ કોઈ રાજકીય પક્ષ કે ઉમેદવારની તરફેણ કરવી ન જોઈએ તેમ રેગ્યુલેટરના માર્ગદર્શનમાં સ્પષ્ટ કરાયેલું છે.