લેસ્ટરઃ નેશનલ ડાયાબિટીસ ઓડિટમાં ડાયાબિટીસના દર્દીઓની શ્રેષ્ઠ સંભાળ માટે બ્રોડહર્સ્ટ સ્ટ્રીટ સર્જરીના ડો. કિશોરચંદ્ર મોરજરીઆ અને ડો. હેમલતા મોરજરીઆને પ્રથમ સ્થાને પસંદ કરાયા હતા. કિંગ પાવર સ્ટેડિયમ ખાતે ગત ૨૧ સપ્ટેમ્બરે આયોજીત કાર્યક્રમમાં ડો. થાનના હસ્તે ડો. મોરજરીઆ અને તેમના પત્નીને એવોર્ડ ફોર ડાયાબિટીસ કેર ૨૦૧૬ એનાયત કરાયો હતો.
નેશનલ ડાયાબિટીસ પ્રિવેન્શન પ્રોગ્રામ હેઠળ ઓડિટમાં જે દર્દીને ડાયાબિટીસનું નિદાન થયું હોય તે તમામ પ્રેક્ટિસ ડાયાબિટીસ રજીસ્ટરમાં નોંધાયેલા છે કે નહિ તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. આ ઉપરાંત, નોંધાયેલા દર્દીઓમાંથી કેટલા ટકા દર્દીઓને ડાયાબિટીસ કેર માટે આઠ (NICE) કી પ્રોસેસીસ અપાઈ છે તે જોવાય છે. આ દર્દીઓમાં ડાયાબિટીસને લીધે ટૂંકા અને લાંબા ગાળાના કોમ્પ્લીકેશન્સનો દર કેટલો રહ્યો તેની પણ વિગતો મેળવાય છે. વધુમાં, નોંધાયેલા દર્દીઓ પૈકી કેટલા ટકા દર્દીએ ગ્લુકોઝ કંટ્રોલ, બ્લડ પ્રેશર અને બ્લડ કોલેસ્ટ્રોલની સારવાર માટે અપાયેલા લક્ષ્ય હાંસલ કર્યા છે તે ધ્યાનમાં લેવાય છે. નેશનલ ડાયાબિટીસ ઓડિટ ૨૦૧૫ (જુલાઈ ૨૦૧૬)માં લગભગ ૮૮ ટકા કરતાં વધુ પ્રેક્ટિશનરોએ સ્વૈચ્છિક રીતે ભાગ લીધો હતો.
ફોટોલાઈનઃ ડાબેથી- કામિની બકરાણિયા, ઈલા પટેલ, ગીતા મિસ્ત્રી, ઉષા પટેલ, નિશુરા મિસ્ત્રી, રીમા પટેલ તેમજ બેઠેલાં ડો. હેમલતા મોરજરીઆ અને ડો. કિશોરચંદ્ર મોરજરીઆ