લેસ્ટરઃ યુનિવર્સિટી હોસ્પિટલ્સ ઓફ લેસ્ટર (UHL) NHS ટ્રસ્ટના ચેરમેન કરમજિત સિંહ લેસ્ટરની હોસ્પિટલોમાં નાણાકીય કૌભાંડના પગલે શુક્રવાર ૧૬ એપ્રિલે હોદ્દો છોડશે. UHLના હિસાબો જાહેર થતાં લેસ્ટર રોયલ ઈન્ફર્મરી અને ગ્લેનફિલ્ડ એન્ડ જનરલ હોસ્પિટલ્સના હિસાબોમાં ૪૬ મિલિયન પાઉન્ડનો તફાવત જોવાં મળ્યો હતો. ટ્રસ્ટના હિસાબોમાં આટલી મોટી ખાધ વિશે કોઈ ખુલાસો કરાયો ન હતો અને હિસાબો સુધારી લેવાયા હતા.
છેક ૨૦૧૪થી ટ્રસ્ટના ચેરમેન રહેલા કરમજિત સિંહે અગાઉ પદત્યાગ કરવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. તેમની આઠ વર્ષની મુદત આગામી વર્ષે પૂર્ણ થતી હતી. UHL દ્વારા જણાવાયું હતું કે ટુંક સમયમાં વચગાળાની વ્યવસ્થા જાહેર કરાશે. રેબેકા બ્રાઉન કાર્યકારી ચીફ એક્ઝિક્યુટિવ છે.
સિંહને રાજીનામું આપવા જણાવનારા સભ્યોમાં એક લેસ્ટરશાયર હેલ્થ એન્ડ વેલબીઈંગ બોર્ડ મેમ્બર અને હારબરા ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલના નેતા ફિલ કિંગે કહ્યું હતું કે અન્ય નોન-એક્ઝિક્યુટિવ બોર્ડ મેમ્બર્સે પણ ચેરમેનના પગલાંને અનુસરી રાજીનામાં આપવા જોઈએ.