લેસ્ટરઃ યુકેની નવી પાંચ પાઉન્ડની પોલીમર નોટ સામે લેસ્ટરશાયરના સૌથી જૂના અને મોટા હિન્દુ મંદિરોમાંના એક ધ શ્રી સનાતન મંદિરે વિરોધ પ્રગટ કર્યો છે. આ નોટમાં પ્રાણીજ ચરબી હોવાને બેન્ક ઓફ ઈંગ્લેન્ડે સમર્થન આપ્યા પછી મંદિરે શ્રદ્ધાળુઓને દાનમાં નવી પાંચ પાઉન્ડની નોટ ન આપવા જણાવ્યું હતું. બેન્ક નોટ્સમાંથી પ્રાણીજ ચરબી દૂર કરવાની પિટિશનમાં હિન્દુ, શીખ, જૈન, શાકાહારીઓ સહિત આશરે ૧૨૦,૦૦૦ લોકોએ સહી કરી છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગામને ભારતીય સૈનિકોની બંદૂકના કારતૂસના બૂચમાં ગાય અને સુવ્વરની ચરબી લગાવાઈ હોવાની કથિત અફવાના કારણે જ લશ્કરમાં હિન્દુ-મુસ્લિમોના રોષથી હવા મળી હતી.
સનાતન મંદિરના પ્રેસિડેન્ટ વિભૂતિ આચાર્યે જણાવ્યું હતું કે આના કારણે હિન્દુઓમાં રોષ ફેલાયો છે. મંદિરની કમિટી આ નોટને પ્રતિબંધિત કરવા વિચારી રહી છે. સનાતન મંદિરમાં કોમ્યુનિટીમાં સખાવતી હેતુઓ માટે દાન લેવામાં આવે છે. મિસ આચાર્યે જણાવ્યું હતું કે હિન્દુ કોમ્યુનિટી માટે પવિત્ર ગાય સહિતના પશુઓને નુકસાન પહોંચાડવું તેમની માન્યતાથી વિરુદ્ધ હોવાથી આ ઘટસ્ફોટે રોષ અને હતાશા ફેલાવ્યાં છે.
તેમણે જણાવ્યું હતું કે, ‘આની કોઈ માહિતી અપાયા વિના જ અમારા પર થોપી દેવાયું છે. અમારી સામે પસંદગીનો વિકલ્પ જ નથી. અમારે ભવિષ્યમાં ધાર્મિક સમારંભોમાં પાંચ પાઉન્ડની નોટ્સ સ્વીકારવી કે નહિ તેનો નિર્ણય કમિટીએ કરવાનો છે. આ મુદ્દાને ઉકેલવા પૂરતો સમય અપાવો જોઈએ પરંતુ, વ્યવહારુ ન હોવાના કારણે કોઈ સખત પગલાં લઈ શકીએ નહિ.’ તેમણે જણાવ્યું હતું કે લોકો દાનમાં પાંચ પાઉન્ડની નોટ્સ આપે નહિ તે માટે તેમને સમજાવીશું અને તેમને જાગૃત કરવા નોટિસો પણ લગાવીશું. આમ છતાં, આ પસંદગીનો સવાલ છે અને મંદિર હાલ તો આ નોટ્સ સ્વીકારશે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં હિન્દુઓની વિશાળ વસ્તી ધરાવતાં અને ભારતની બહાર દિવાળીની સૌથી મોટી ઉજવણી કરાતાં વિસ્તારોમાં લેસ્ટર એક છે
સપ્ટેમ્બરથી ચલણમાં આવેલી પોલીમર નોટ પ્રાણીઓની નકામી પેદાશોમાંથી તારવેલી ચરબી (ટેલો)ના થોડાં પ્રમાણમાંથી બનાવાય છે. આ ચરબીયુક્ત પદાર્થો સામાન્યપણે સ્લોટરહાઉસનાં બીફ કે મટન અથવા ઘણી વખત પોર્ક અથવા ફૂડ પ્રોડક્શન પ્રોસેસમાંથી મેળવાય છે. પ્રાણીઓને નુકસાનના વિરોધી જૂથો, શાકાહારી અને વેગન જૂથો તેનાથી રોષે ભરાયા છે. જોકે, પોલીમર નોટના ઓસ્ટ્રેલિયન સંશોધક પ્રોફેસર ડેવિડ સોલોમને શાકાહારીઓ દ્વારા આ વિરોધને વાહિયાત ગણાવતા કહ્યું છે કે નોટમાં ટેલોનું પ્રમાણ સાબુ અને મીણબત્તીમાં હોય તેવું તદ્દન નગણ્ય છે. સૌપ્રથમ ઓસ્ટ્રેલિયામાં ૧૯૮૮માં ૧૦ ડોલરની પોલીમર નોટ ચલણમાં મૂકાઈ હતી.