લેસ્ટરઃ પૂર્વ પત્ની કિરણ દાઉદીઆની ગળું દબાવી નિર્દય હત્યા કરવાના કેસમાં ૫૦ વર્ષીય આરોપી અને ફેક્ટરી વર્કર અશ્વિન દાઉદીઆએ હત્યાનો આરોપ નકાર્યો છે. અશ્વિન દાઉદીઆને શુક્રવાર ૨૦ જાન્યુઆરીએ લેસ્ટર ક્રાઉન કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો, જ્યાં જામીનની માગણી નહિ કરાતા તેને પુનઃ રિમાન્ડ અપાયા હતા. ટ્રાયલ હજુ ચાલી રહી છે.
કોર્ટમાં હત્યા કેસની જ્યૂરી સમક્ષ જણાવાયું હતું કે કિરણ હંમેશાં ખુશ જણાતી હતી છતાં, આરોપી પતિ સાથે તેના સંબંધ આનંદપૂર્ણ ન હતા. કિરણ અને અશ્વિને ભારતમાં ૧૯૮૮માં લગ્ન કર્યાં હતાં. તેઓ ૨૦૧૪માં ડાઈવોર્સ પછી એક જ છત નીચે રહેવાં છતાં અલગ જીવન જીતાવતાં હતાં. પ્રોસીક્યુટર વિલિયમ હાર્બેજે જ્યૂરી સમક્ષ જણાવ્યું હતું કે,‘ડાઈવોર્સ પછી કિરણ ડેટિંગ એજન્સીમાં જોડાઈ હતી અને અન્ય પુરુષોને મળતી હતી. આ બાબત કદાચ અશ્વિન દાઉદીઆ માટે ટેન્શન કે રોષનું કારણ હોઈ શકે છે. તેમના સંતાનો વિવેક અને શિવમ માતાની તરફે હતા અને પિતા સાથે નામનો સંબંધ રહ્યો હતો. મકાન બંનેના સંયુક્ત નામે હોવાથી ડાઈવોર્સ પછી અશ્વિન ઘર છોડે તેમ કિરણ ઈચ્છતી હતી. અશ્વિન ઘર છોડવા માગતો ન હતો અને તેને ટાળવા માટે બધુ કરી છૂટતો હોવાનું દેખાતું હતું.’
આરોપીને અગાઉ, ગુરુવાર,૧૯ જાન્યુઆરીએ લેસ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટ સમક્ષ હાજર કરાયો હતો. તેના પર કિરણની હત્યાનો આરોપ મૂકાયો હતો. તેણે કિરણની હત્યા કરીને લાશ મોટી બેગમાં ગોઠવી લેસ્ટરના એવિંગ્ટનમાં પોતાના ઘર નજીકની ક્રોમર સ્ટ્રીટમાં મૂકી હતી. કિરણના પુત્રે માતા ગૂમ થયાની ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન આ બેગમાંથી કિરણની લાશ મળી આવી હતી.