લેસ્ટરઃ BAPS શ્રી સ્વામીનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પવા લેસ્ટરમાં રવિવાર ૨૮ ઓગસ્ટે વિશેષ પ્રાર્થનાસભાનું આયોજન કરાયું હતું. પ્રમુખસ્વામી મહારાજ ૧૩ ઓગસ્ટ ૨૦૧૬, શનિવારના રોજ ૯૫ વર્ષની વયે પાર્થિવ દેહ છોડી અક્ષરનિવાસી થયા હતા. ગુરુને શ્રદ્ધાંજલિ અર્પવા ૨૧ લાખથી વધુ હરિભક્તો અને અગ્રણીઓએ ગુજરાતના સારંગપુર ગામની મુલાકાત લીધી હતી. ગુરુજીના અંતિમસંસ્કાર બુધવાર ૧૭ ઓગસ્ટે કરવામાં આવ્યા હતા.
લેસ્ટરમાં BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરમાં પ્રમુખસ્વામી મહારાજની યાદમાં આયોજિત પ્રાર્થનાસભામાં ૧,૫૦૦થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાર્થના અને ભક્તિસંગીત સાથે આરંભ કરાયેલી શ્રદ્ધાંજલિ સભામાં મહાન અધ્યાત્મ નેતાને ગુમાવ્યાની દિલગીરી સાથે તેમણે લોકોમાં સ્થાપિત કરેલા જીવનમૂલ્યો તેમજ માનવજાતને આપેલી નિસ્વાર્થ સેવાનું ગૌરવ પણ પ્રદર્શિત થયું હતું.
સાંસદ કિથ વાઝ, કાઉન્સિલર પિયારા સિંહ ક્લેર MBE સહિત લેસ્ટરના અગ્રણીઓએ પ્રમુખસ્વામી મહારાજના જીવન-કવન અને યુવાવર્ગીય પ્રવૃત્તિઓ, તેમની પ્રેરણા અને વ્યાપક કોમ્યુનિટી પર રચનાત્મક અસરને યાદ કરી હતી. કાઉન્સિલર મંજુલા સુદ MBEએ લેસ્ટર સિટીને એવોર્ડવિજેતા મંદિરની ધરોહર આપવા બદલ પ્રમુખસ્વામી પ્રતિ આભાર વ્યક્ત કર્યો હતો.
યુકે અને યુરોપમાં BAPS ના મુખ્ય સાધુ યોગવિવેક સ્વામીએ સભાને સંબોધતા તેમણે પ્રમુખસ્વામી મહારાજના અંતિમ દિવસોમાં ગાળેલા સમયની વાત કરી હતી, જેમાં સ્વામીશ્રીએ ઈશ્વર સાથે અતૂટ બંધન અને ભક્તો પ્રત્યે અસીમ સ્નેહ દર્શાવ્યો હતો. સભામાં ભારતથી આવેલા વરિષ્ઠ સાધુ ભક્તિપ્રિય સ્વામી (કોઠારી સ્વામી)એ પ્રમુખસ્વામી મહારાજ સાથે ૪૫થી વધુ વર્ષના ગાળામાં કરેલા સત્સંગના આધારે આદર્શ અધ્યાત્મ જીવનની સમજ આપી હતી. પ્રમુખસ્વામી મહારાજનો વારસો મહંત સ્વામી મહારાજ દીપાવશે તેમ પણ તેમણે કહ્યું હતું. સન્માનના પ્રતીક તરીકે પુષ્પાંજલિ અને આરતી પછી સભાનું સમાપન થયું હતું.