સફળ ફેઈથ હીલર હોવાનો દાવો કરતા અને સંખ્યાબંધ સ્ત્રીઓ પાસેથી આશરે ૧૪૫,૦૦૦ પાઉન્ડની ઠગાઈ કરનારા ૩૪ વર્ષીય અબ્દૌલી ગાસામાને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે સાડા સાત વર્ષની જેલની સજા ફરમાવી છે. શેખ જમાલ અને શેખ રિયાદના બનાવટી નામોથી તેણે સ્થાનિક અને એશિયન અખબારોમાં પોતાની સેવાની જાહેરાતો આપી હતી. તેણે ૨૨ એપ્રિલની સુનાવણીમાં થેફ્ટ એક્ટ ૧૯૬૮ અને ફ્રોડ એક્ટ ૨૦૦૬ અન્વયે ૨૨ ગુનાની કબૂલાત કરી હતી.
અખબારોમાં જાહેરાતોના પગલે પારિવારિક અને નાણાકીય સમસ્યાઓના ઉકેલ માટે તેની પાસે ગયેલી કેટલીક મહિલાએ ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ્સ ઓફિસરો સમક્ષ ડિસેમ્બર ૨૦૧૪ અને માર્ચ ૨૦૧૫ના ગાળામાં કરેલી ફરિયાદના આધારે બર્મિંગહામ સિટી કાઉન્સિલે કાનૂની કાર્યવાહી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સમાચાર દ્વારા આવા કહેવાતા ફેઈથ હિલરો, તાંત્રિકો કે જ્યોતિષીઓને કોઈ પણ પ્રકારનું પ્રોત્સાહન આપવામાં આવતું નથી. દર સપ્તાહે આશરે ૨,૦૦૦ પાઉન્ડની જાહેરખબર આવકનું નુકસાન વેઠીને પણ આવા ઠગ લોકોની જાહેરખબરો પ્રકાશિત કરવામાં આવતી નથી.
ગાસામા હેન્ડ્સવર્થમાં માલવર્નના ફ્લેટમાં ક્લાયન્ટ્સને મળતો હતો અને પ્રથમ મુલાકાત સમયે ૨૦ પાઉન્ડનો ચાર્જ કરતો હતો. જોકે, પાછળથી વિશેષ પ્રાર્થનાઓ, ખાસ દવાઓ તેમજ ગાય અને મગર સહિત પ્રાણીઓના બલિ આપવાના નામે વધુ નાણા પડાવતો હતો. તેની આવી ફીનું ધોરણ ૩૭૭ પાઉન્ડથી માંડી ૧૭,૦૦૦ પાઉન્ડ જેટલું અનિશ્ચિત હતું. એક મહિલાના પતિને દારુ છોડાવવા માટે તેણે સાત મહિનામાં ૧૩૪,૦૦૦ પાઉન્ડથી વધુ રકમ પડાવી હતી.
બર્મિંગહામ સિટી કાઉન્સિલની લાયસન્સિંગ એન્ડ પબ્લિક પ્રોટેક્શન કમિટીના વડા કાઉન્સિલર બાર્બરા ડ્રિંગે કહ્યું હતું કે આ માણસે માનસિક રીતે અસલામત ત્રણ મહિલાનું શોષણ કરી નાણા પડાવ્યા હતા. તેણે ઠાલાં વચનો આપવા ઉપરાંત, બલિ માટે વધારે નાણા આપશો તો પરિસ્થિતિ સુધરશે તેવી ખોટી આશાઓ પણ આપી હતી.’
જો આપ પણ આવા લબાડ અને જુઠા ફેઇથ હિલરો, ફકીરો કે ભુવાઅો ધ્વારા કરાયેલી છેતરપીંડીનો ભોગ બન્યા હો તો 'ગુજરાત સમાચાર'નો અથવા તો આપના સ્થાનિક કાઉન્સિલના ટ્રેડીંગ સ્ટાન્ડર્ડ વિભાગનો સંપર્ક કરવા વિનંતી છે. આપનું નામ અને અોળખ ગુપ્ત રાખવામાં આવશે.