લેસ્ટરઃ ભાવિની પ્રવીણની હત્યાના ૨૪ વર્ષીય આરોપી જિગુકુમાર શંકરભાઈ સોરઠીએ લેસ્ટરના બેલગ્રેવના મૂર્સ રોડ પરના એક મકાનમાં સોમવાર બીજી માર્ચે હત્યા કર્યાનો ઈનકાર કર્યો છે. લેસ્ટર ક્રાઉન કોર્ટ સમક્ષ ૭ ઓગસ્ટે પ્રાથમિક સુનાવણીમાં સોરઠીએ આ દિવસે તેની પાસે તીક્ષ્ણ ચાકુ હોવાનું પણ નકાર્યું હતું.
લેસ્ટરના ઈસ્ટ પાર્કના રહેવાસી સોરઠીએ દુભાષિયાની મદદથી પોતાના નામ સહિતની માહિતી સાથે પ્લી-જુબાની રજૂ કરી હતી. જજ ફિલિપ હેડે ૨૧ વર્ષના મિસ ભાવિની પ્રવીણની હત્યાના કેસને મુલતવી જાહેર કરી સપ્ટેમ્બરના આરંભે તેની ટ્રાયલ ચલાવાશે તેમ જણાવ્યું હતું. આરોપી સોરઠી દ્વારા જામીન અરજી કરાઈ ન હોવાથી તેને કસ્ટડીમાં મોકલી અપાયો હતો. કોવિડ-૧૯ રોગચાળા પછી આ સપ્તાહે પહેલી વખત લેસ્ટરમાં જ્યૂરી ટ્રાયલ શરુ કરી હતી. કોર્ટમાં જ્યુરર્સ બે મીટરના સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બેઠા હતા.