લેસ્ટરઃ ગોલ્ડન માઈલના ભારતીય રેસ્ટોરાંની કિચનના ફ્લોર સાથે ચોંટી ગયેલો મૃત ઉંદર મળી આવતાં રેસ્ટોરાંને બંધ કરી દેવાયું હતું. સ્વચ્છતાના ધોરણોથી સંતોષ ન થાય ત્યાં સુધી બિઝનેસ બંધ રાખવોની કાઉન્સિલની અરજી મેજિસ્ટ્રેટ પીટર મૂરે માન્ય રાખી હતી. કંપનીને £૧,૦૬૭નો દંડ પણ કરાયો હતો.
લેસ્ટર સિટી કાઉન્સિલના ફૂડ સેફ્ટી ઓફિસરોએ બેલગ્રેવ રોડ પરના ચેન્નાઈ ડોસા રેસ્ટોરાંનું ઈન્સ્પેક્શન કરતાં ઠેકઠેકાણે ઉંદરની લીંડીઓ મળી આવી હતી. ચીકણા કાપડ અને સ્પોન્જ સાથેના સિન્કમાં પ્રોન્સને ડીફ્રોસ્ટ કરવા મૂકાઈ હતી. આ ઉપરાંત, ઉંદરના યુરિનની ખરાબ વાસ પણ આવતી હતી. કિચનના વાસણો, માઈક્રોવેવ પણ ખોરાકી કચરા સાથે ગંદા હતાં.