લેસ્ટરઃ ગોવર સ્ટ્રીટના મેગાઝોનમાં મિક્સ્ડ એજ સેશનમાં અલ્ટિમેટ રેપિડ ફાયરના ત્રીજા રાઉન્ડમાં રમી રહેલા આઠ વર્ષના આર્યનનું છ ફૂટના ટીનેજર સાથે અથડાવાથી લિવરમાં ઈજા થયાના એક કલાક પછી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. તેનું મૃત્યુ અકસ્માતે થયું હોવાનું જ્યુરીએ ઠેરવ્યા બાદ ફેમિલી સ્ટેટમેન્ટમાં વ્યથિત પિતા રાજેન્દ્ર પટેલે લેઝર ટેગ એરેનામાં વધુ સલામતી, સુપરવિઝનની વ્યવસ્થા ઉભી કરવા તથા સ્ટાફને પૂરતી ટ્રેઈનિંગ માટે અપીલ કરી હતી.
આઈટી મેનેજર તરીકે ફરજ બજાવતા ૪૫ વર્ષીય રાજેન્દ્ર પટેલે જણાવ્યું હતું, ‘ મેગાઝોન આ કમનસીબ ઘટના પરથી પાઠ લઈને ભવિષ્યમાં અન્ય પરિવારને અમારા જેવું દુઃખ સહન ન કરવું પડે તેની તકેદારી લેશે તેવી મને આશા છે.’
ટાઉનહોલ ખાતે ઈન્ક્વેસ્ટ દરમિયાન કોરોનર લીડિયા બ્રાઉન સમક્ષ જણાવાયું હતું કે બિલ્ડીંગમાં સ્ટાફના માત્ર બે લોકોમાંથી કોઈએ પ્રાથમિક સારવારની તાલીમ મેળવેલી ન હતી. આ ઘટના પણ સીસીટીવી ન હતું તેવા ભાગમાં ઘટી હતી.
બે દિવસની સુનાવણી બાદ રાજેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે મેગાઝોન અને લેસ્ટર સિટી કાઉન્સિલે ખેલાડીઓનું ગ્રૂપિંગ વધુ સારી રીતે કરવાના ફેરફારના અમલમાં ધ્યાન આપ્યું ન હોવાથી તેઓ ખૂબ હતાશ છે.
મેગાઝોન લેસ્ટરના માલિક પીટર ડેવિસે જણાવ્યું હતું કે તેમને આર્યન પટેલના પરિવાર પ્રત્યે ઉંડી સહાનુભૂતિ છે. તેમણે તમામ કર્મચારીઓએ પ્રાથમિક સારવારની તાલીમ મેળવી હોવાનું જણાવ્યું હતું.