લેસ્ટરઃ મૂળ ગુજરાતી અને બ્રિટિશ ભારતીય નાગરિક રિઆઝ રાવત BEMની લેસ્ટરશાયર કાઉન્ટીના નવા ડેપ્યુટી લેફ્ટનન્ટના પદે નિયુક્તિ કરાઈ છે. ગ્લેનફિલ્ડ, યુકેના કાઉન્ટી હોલમાં ૧૬ ઓક્ટોબરે ખાસ સમારંભમાં લેસ્ટરશાયરમાં ક્વીનના સત્તાવાર પ્રતિનિધિ લોર્ડ-લેફ્ટનન્ટ લેડી ગ્રેટોને કુલ આઠ નિયુક્તિ જાહેર કરી હતી.
રિઆઝ રાવત હાલ સેન્ટ ફિલિપ્સ સેન્ટરના ડેપ્યુટી ડિરેક્ટર છે અને તાલીમ, શિક્ષણ અને કાર્યક્રમો દ્વારા ઈન્ટરફેઈથ પહેલોમાં અગ્રેસર છે. તેઓ લેસ્ટર કેથેડ્રલ્સ કાઉન્સિલ, ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસની હેટ ક્રાઈમ પેનલના સભ્ય હોવા ઉપરાંત, અનેક સંસ્થાઓમાં સલાહકાર પણ છે. રિઆઝને ૨૦૧૩માં બ્રિટિશ એમ્પાયર મેડલ (BEM) એનાયત કરાયો હતો તેમ જ વિવિધ સંસ્કૃતિઓ, જાતિઓ અને ધર્મોને એકસંપ બનાવવા માટે ડી મોન્ટફોર્ટ યુનિવર્સિટી દ્વારા અલમ્નસ ઓફ ધ યર ૨૦૧૩ જાહેર કરાયા હતા. ડેપ્યુટી લેફ્ટનન્ટ તરીકે તેમની કામગીરીમાં વિવિધ સમારંભોમાં હાજરી આપવા તેમ જ એવોર્ડ્સ અને ઓનર્સ માટે નોમિનેટ કરાયેલી સ્થાનિક સંસ્થાઓના મૂલ્યાંકનમાં મદદનો સમાવેશ થાય છે.