લેસ્ટરઃ BAPS સ્વામીનારાયણ સંસ્થાના પૂર્વ વડા અને સમગ્ર વિશ્વમાં લાખો લોકોના જીવનને સ્પર્શનારા પ્રમુખસ્વામી મહારાજે શીખવ્યું હતું કે મંદિરોએ માત્ર પૂજાના કેન્દ્ર બની રહેવું ન જોઈએ પરંતુ, મૂલ્યોના પોષક અને સમાજની સેવા કેન્દ્ર પણ બનવું જોઈએ. તેઓ લેસ્ટરના જિપ્સી લેન પર આવેલા ભવ્ય BAPS સ્વામીનારાયણ મંદિરના પ્રેરણાસ્રોત હતા. આ મંદિરે ભારતથી આવેલા સદગુરુ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી તેમજ સમગ્ર દેશના સેંકડો ભક્તો અને શુભેચ્છકોની હાજરીમાં શનિવાર, ૮ ઓક્ટોબર ૨૦૧૬ના દિવસે પાંચમી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરી હતી.
મંદિરની ઉજવણીઓ ‘પ્રેમસભર શ્રમ’ અને તેના થકી અસંખ્ય લોકોનું જીવન સમૃદ્ધ થયું તે વિષય પર આધારિત હતી. ઉજવણીના દિવસનો આરંભ વિશ્વશાંતિ અને સંવાદિતા માટે પ્રાર્થનાઓ સાથે પરંપરાગત વેદિક સમારંભથી કરાયો હતો. આ પછી, સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં લેસ્ટરમાં BAPSની પ્રવૃત્તિઓનો ઈતિહાસ દર્શાવતી યાત્રાનું આલેખન લોકોએ માણ્યું હતું. છેક ૧૯૬૮માં ભકતના નિવાસે મળતી ધર્મસભા, પ્રમુખસ્વામી મહારાજની સંખ્યાબંધ મુલાકાતો, ડોનકાસ્ટર રોડ અને સિટી સેન્ટરમાં અગાઉના મંદિરોથી માંડી વર્તમાન મંદિરના ઈતિહાસને તેમાં આવરી લેવાયો હતો.
મંદિર કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું તેની કથા શ્રેણીબદ્ધ રેખાચિત્રો, વિડિયો અને મુલાકાતો થકી કહેવાઈ હતી, જેમાં મંદિરનિર્માણ પાછળ સ્વૈચ્છિક સેવાની ભાવના ઉજાગર થઈ હતી. નાના બાળકોથી માંડી વૃદ્ધો સહિતે આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
મંદિરના મુખ્ય કો-ઓર્ડિનેટર દર્શન પટેલે જણાવ્યું હતું કે,‘ આ કાર્યક્રમ માટે સ્તાનિક બિઝનેસીસ અને શાળાઓએ જે સપોર્ટ આપ્યો છે તે મંદિર માટે તેમની હુંફાળી લાગણીઓ દર્શાવે છે. આ પ્રસંગે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડશે તેવી અપેક્ષાને ધ્યાનમાં રાખી જિપ્સી લેન પરની લિડલ અને નોર્થફિલ્ડ્સ પ્રાઈમરી સ્કૂલ તથા સોર વેલી કોલેજે કાર પાર્કિંગની જગ્યા ઓફર કરી હતી. તમામ માટે આ કાર્યક્રમનો અનુભવ કોઈ તકલીફ વિના સરળ અને યાદગાર બની રહે તે માટે આરિવાએ ઉદારતા સાથે મુલાકાતીઓને પાર્કિંગ સુધી લાવવા-લઈ જવા ડબલ ડેકર બસની વ્યવસ્થા કરી હતી. લેસ્ટરશાયર અને તેથી પણ આગળ શાળાઓમાંથી નિયમિત મુલાકાતો થતી રહે છે. મંદિર કેટલી ઝડપથી સ્થાનિક કોમ્યુનિટીનો મૂલ્યવાન હિસ્સો બની ગયું છે તે જોવાનું ખરેખર દિલને સ્પર્શે છે. સુંદર સપોર્ટ અને શુભેચ્છા માટે અમે તમામ પ્રત્યે આભારની ઊંડી લાગણી ધરાવીએ છે.’