લેસ્ટરઃ ભારતના મુંબઈની શારદા મંદિર હાઈ સ્કૂલ અને યુકેના લેસ્ટરની એબે પ્રાઈમરી સ્કૂલ અને રુશી મીડ એકેડેમી શાળાઓ વચ્ચે સ્કાયપી મારફત અનોખુ શૈક્ષણિક જોડાણ રચાયું છે. આ જોડાણના પરિણામે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને એકબીજાના શહેરો, સંસ્કૃતિ અને શિક્ષણપદ્ધતિઓ વિશે જાણવાની અનન્ય તક હાંસલ થશે. આ શાળાઓ સપ્તાહમાં એક વખત એકબીજા સાથે સ્કાયપી લેસન્સની આપ-લે કરશે. આ શૈક્ષણિક સંસ્થાઓને સાથે સાંકળવાની દિશામાં આ પ્રથમ પગલું છે.
લેસ્ટરની એબે પ્રાઈમરી સ્કૂલમાં ૩થી ૧૧ વર્ષના કુલ ૭૩૪ વિદ્યાર્થી છે, જ્યારે સીનિયર સ્કૂલ રુશી મીડ એકેડેમીમાં ૧૧થી ૧૬ વર્ષના કુલ ૧,૪૧૫ વિદ્યાર્થી છે. આ બન્ને શાળા શુક્રવાર ૨૨ એપ્રિલથી સ્કાયપી લિન્ક દ્વારા મુંબઈની ૨થી ૧૫ વર્ષના કુલ ૨૫૩ વિદ્યાર્થી ધરાવતી શારદા મંદિર હાઈ સ્કૂલ સાથે સંકળાઈ છે. શારદા મંદિર હાઈ સ્કૂલના વિદ્યાર્થીઓની સંખ્યા ૨૦૧૬ના અંતે કુલ ૬૦૦ સુધી થવાની આશા છે. મુંબઈના વિદ્યાર્થીઓ ઈંગ્લિશ પ્રીમિયર લીગમાં અગ્રસ્થાન ધરાવતી ધ લેસ્ટર સિટી ફૂટબોલ ક્લબની એક મેચ નિહાળવા પણ આવી શકે તેવી આશા રખાય છે.
લેસ્ટર ઈસ્ટના સાંસદ કિથ વાઝે જણાવ્યું હતું કે,‘લેસ્ટરની બે શાળાનું જોડાણ મુંબઈની શાળા સાથે થવાનો મને આનંદ છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો લેસન્સમાં ભાગીદાર બની શકશે તેમજ શિક્ષણની વિવિધ પદ્ધતિ અને ટેક્નિક્સ, વિચારોના આદાનપ્રદાન તેમજ ચોક્કસ પ્રોજેક્ટમાં સાથે કામ કરવાથી દરેકની ક્ષિતિજોના વિસ્તારની આશા રહેશે. આ સાહસથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે મજબૂત બંધન રચાશે અને એકબીજાની સંસ્કૃતિઓ અને જીવનશૈલી વિશે સારી સમજ કેળવાશે.’