લેસ્ટરઃ હિંકલે રોડ પર ત્રણ માળના બિલ્ડીંગમાં ૨૫ ફેબ્રુઆરીએ સાંજે વિસ્ફોટ અને ત્યારબાદ ભીષણ આગની ઘટના બની હતી. આ ઘટનાના ત્રણ આરોપીઓએ વિસ્ફોટ દ્વારા પાંચ લોકોની હત્યા કરવાનો અને મૃતકો પૈકી એક સાથે મળીને ખોટો ઈન્સ્યુરન્સ કલેમ કરવાનો ઈન્કાર કર્યો હતો. શોપનો માલિક અરમ કુર્દ (૩૭), હોકર હસન (૩૨), અને અક્રન અલી (૩૭) પર ચોથી વ્યક્તિ ૨૨ વર્ષીય વિક્ટોરીજા જેવેલ્વા સાથે મળીને છેતરપિંડી આચરી હોવાનો તેમના પર આરોપ છે. વિક્ટોરીજાનું મૃત્યુ થયું તેના બે મહિના દરમિયાન આ કાવતરું ઘડાયું હોવાનું મનાય છે. હત્યાના પાંચ કાઉન્ટ અને માનવવધના પાંચ વૈકલ્પિક કાઉન્ટમાં પોતે દોષિત ન હોવાની દલીલ કરતા આ ત્રણેય સામે લેસ્ટર ક્રાઉન કોર્ટમાં ટ્રાયલ ચાલશે.
અત્રે ઉલ્લેખનીય છે કે વિસ્ફોટ અને આગના કારણે આખું બિલ્ડીંગ ધરાશાયી થઈ ગયું હતું. બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ લેવલ પર દુકાનો અને ઉપરના માળે ફલેટ આવેલા હતા. આ ઘટનામાં ફ્લેટમાં રહેતા શેન (૧૮) અને સીન (૧૬) તેમજ તેમની માતા ૪૬ વર્ષીય મેરી રઘુબીર, શેનની ગર્લફ્રેન્ડ લીહ બેથ રીક (૧૮) અને સ્ટોરમાં પહેલી જ ટ્રાયલ શીફ્ટમાં આવેલી ૨૨ વર્ષીય વિક્ટોરીજા જેવેલ્વાનું મૃત્યુ થયું હતું.