લંડન
લેસ્ટરના સ્પિની હિલ્સ ખાતે આવેલા લિઝર સેન્ટરને પુનર્વસન બાદ ફરી એકવાર ખુલ્લું મૂકાયું છે. 1982માં પહેલીવાર ખુલ્લું મૂકાયેલું સ્પેન્સ સ્ટ્રીટ સ્પોર્ટ્સ સેન્ટરનો કાયાકલપ કરી નાખવામાં આવ્યો છે. હવે આ સેન્ટરમાં 50 વર્ક સ્ટેશન સાથેનું નવું જિમ તૈયાર કરાયું છે. ગ્રુપ એક્સરસાઇઝ, ટ્રેનિંગ સ્ટુડિયો અને વેઇટ લિફ્ટિંગ માટેના એરિયા પણ તૈયાર કરાયાં છે. નવા રંગરોગાન અને સાઇન્સ સેન્ટરને નવો જ ઓપ આપી રહ્યાં છે. શહેરમાં આવેલી સુવિધાઓને આધુનિક બનાવવાના અભિયાન અંતર્ગત લેસ્ટર સિટી કાઉન્સિલ દ્વારા આ સુધારા કરાયાં છે. સ્પેન્સ સ્ટ્રીટ બાથમાં કાર્ડિયોવાસ્ક્યુલર એક્સરસાઇઝ મશીન ગોઠવવામાં આવ્યાં છે. આયલસ્ટોન લિઝર સેન્ટર અને બ્રાઉનસ્ટોન લિઝર સેન્ટરને પણ આધુનિક સ્વરૂપ અપાયું છે. બીજી નવેમ્બરે મેયર સર પીટર સોલ્સબી અને કાઉન્સિલરો દ્વારા સ્પેન્સ સ્ટ્રીટ સ્પોર્ટ્સ સેન્ટરને ખુલ્લું મૂકાયું હતું. કાઉન્સિલર પિયારા સિંહે જનતાને આ સેન્ટરની મુલાકાત લેવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, સેન્ટર ખાતે નવી સ્પોર્ટ્સ ફેસિલિટી ઊભી કરવામાં આવી છે.