લેસ્ટરઃ ઈસ્ટ મિડલેન્ડ્સના લેસ્ટર શહેરમાં ૨૧ વર્ષની સુંદર મૂળ ગુજરાતી યુવતી ભાવિની પ્રવીણની ચાકુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસે આ સંદર્ભે ૨૩ વર્ષના યુવાન જિગુકુમાર સોરઠીની ધરપકડ કરી બુધવારે લેસ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં હાજર કર્યો હતો અને તેની સામે હત્યા અને તીક્ષ્ણ હથિયાર ધરાવવાના આરોપ મૂકાયા છે. સોરઠીએ પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું હતું. કોર્ટ બેન્ચના ચેરમેન ગુરજિત ગિલે આ કેસ લેસ્ટરશાયર ક્રાઉન કોર્ટને સુપરત કર્યો છે.
સોમવાર, બીજી માર્ચની બપોરે લેસ્ટરના બેલગ્રેવના મૂર્સ રોડ પરની એક પ્રોપર્ટીમાં એક યુવતીને ગંભીર ઈજાઓ થયાનો સંદેશ ઈસ્ટ મડલેન્ડ્સ એમ્બ્યુલન્સ સર્વિસ દ્વારા પોલીસને મળતા સાથે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ભાવિની પ્રવિણને મૃત જાહેર કરાયાના પગલે પોલીસે હત્યાની તપાસ આરંભી હતી. પોસ્ટ મોર્ટમ તપાસમાં યુવતીનું મોત સ્ટેબિંગના ઈજાના કારણે થયાનું દર્શાવવામાં આવ્યું હતું. હત્યાના તાણાવાણા એકત્ર કરતા પોલીસે ઘેર ઘેર ફરી પૂછપરછ કરી હતી તેમજ સીસીટીવી ફૂટેજ પણ એકત્ર કર્યાં હતાં. પડોશીઓએ પણ યુવાન ભાવિનીની હત્યા બાબતે આઘાત વ્યક્ત કર્યો હતો.
પ્રવિણના પરિવારે તેમની સુંદર, પ્રેમાળ અને મીઠડી દીકરીને શ્રદ્ધાંજલિ અર્પતા નિવેદનમાં જણાવ્યું હતું કે,‘ પરિવાર તરીકે આવા સંજોગોમાં એક દિવસ ભાવિનીને શ્રદ્ધાંજલિ આપવાની આવશે તેમ અમે કદી સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું. આ હત્યાથી પરિવારનું જીવન વેરણછેરણ થઈ ગયું છે. તે ચાલી ગયાનું અમે માની પણ શકતા નથી. અમારા જીવનમાંથી પ્રકાશ ચાલ્યો ગયો છે. ભાવિની પ્રેમાળ દીકરી અને બહેન હતી. સહુ તેને ચાહતા હતા. તેના વિના હવે અમારું જીવન પહેલા જેવું નહિ રહે. ભાવિનીને શાંતિ મળે અને અમારી પ્રાઈવસીનું માન જળવાય તેવી આશા છે.’
હત્યાકેસની તપાસ કરી રહેલા ઈસ્ટ મિડલેન્ડ્સ સ્પેશિયલ ઓપરેશન્સ યુનિટ મેજર ક્રાઈમ યુનિટના ડિટેક્ટિવ ઈન્સ્પેક્ટર કેની હેન્રીએ જણાવ્યું હતું કે યુવતીના મોતથી તેનો પરિવાર દેખીતી રીતે જ હતપ્રભ થઈ ગયો છે. આ ઘટના વિશે કોઈની પાસે કોઈ પણ માહિતી હોય તો પોલીસનો સંપ્રત કરવા વિનંતી સાથે તેમણે ઉમેર્યું હતું કે ભાવિનીના પરિવારે શોકના સમયમાં એકલાં રહેવા દેવાની વિનંતી કરી છે. પોલીસે ઈસ્ટ પાર્ક રોડના ૨૩ વર્ષના જિગુકુમાર સોરઠી પર હત્યાનો આરોપ લગાવી કસ્ટડીમાં તેની પૂછપરછ આદરી હતી.