લેસ્ટરઃ યુકેમાં લેસ્ટરમાં ભારતીયોની સૌથી વધુ વસ્તી છે અને લોકો અહીં દીવાળીનો ઉત્સવ ધામધૂમથી મનાવે છે. ભારતની બહાર દિવાળીનો સૌથી મોટો ઉત્સવ લેસ્ટરમાં મનાવાય છે. લેસ્ટરમાં ૩૧મી ઓક્ટોબરથી શરૂ કરાયેલી ઉજવણી ૬ નવેમ્બર સુધી ચાલવાની છે અને સમગ્ર બ્રિટનમાંથી પાંચ લાખથી વધુ લોકો વ્હિલ ઓફ લાઇટ અને ફાયર આર્ટ સહિત અનેક આકર્ષણ નિહાળશે તેવો અંદાજ મૂકાય છે.
લેસ્ટરના મેયર પીટર સોલ્સબીના જણાવ્યા મુજબ દર વર્ષની જેમ બેલગ્રેવ રોડ અને તેની આસપાસના ગોલ્ડન માઈલ વિસ્તારોમાં ભવ્ય આયોજન કરાયું છે. સાત દિવસની દીવાળી ઉજવણીમાં લેસ્ટરશાયરમાં રહેતા ભારતીય સમુદાયના લોકો સહિત પાંચ લાખથી વધુ લોકોના આવવાનું અનુમાન છે. કોરોનાને કારણે આ વખતના આયોજનમાં અનેક ફેરફાર કરાયા છતાં, મેયર સોલ્સબીને આશા છે કે કોરોના પ્રોટોકોલનું પાલન કરતા લોકો ઉત્સવમાં જરૂરથી ભાગ લેશે.
ઉજવણી દરમિયાન એક જ સ્થળે લોકોની ભારે ભીડ ઉમટી પડે નહિ તેની તકેદારી સાથે ઉત્સવનાં આકર્ષણોને સાત અલગ અલગ સ્પોટમાં વહેંચી દેવાયો છે. ઉત્સવ સ્થળના કેન્દ્રમાં વ્હિલ ઓફ લાઈટ નામનું મોટું ચકડોળ લગાવાયું છે. જ્યારે કોસિંગ્ટન પાર્કમાં તૈયાર કરાયેલા ફાયર ગાર્ડનમાં મીણબત્તીઓની મદદથી મોડર્ન આર્ટવર્ક પ્રદર્શિત કરાયું છે. આ વર્ષે આતશબાજીના કાર્યક્રમના બદલે ફાયર આર્ટની વ્યવસ્થા કરાઈ છે.
સંપૂર્ણ ઉત્સવના સ્થળે અનેક જગ્યાએ લગાવાયેલી વિશાળ સ્ક્રીન્સ પર પ્રી-રેકોર્ડેડ સાંસ્કૃતિક કાર્યક્રમ દર્શાવાઈ રહ્યા છે. લોકો વચ્ચે ફરી રહેલી હનુમાનજી, રાવણ, લક્ષ્મીજી તથા ગણેશજીની વિશાળકાય કઠપૂતળીઓ ખાસ કરીને બાળકો માટે આકર્ષણ જમાવી રહી છે.