લેસ્ટરઃ ૪૬ વર્ષીય પૂર્વ પત્ની કિરણ દાઉદીઆની નિર્દયી હત્યાના આરોપસર પૂર્વ પતિ અને લેસ્ટરના લાઈમ રોડ પર રહેતા ૫૦ વર્ષીય અશ્વિન દાઉદીઆની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી અશ્વિન દાઉદીઆને શુક્રવાર ૨૦ જાન્યુઆરીએ લેસ્ટર ક્રાઉન કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો, જ્યાં જામીનની માગણી નહિ કરાતા તેને પુનઃ રિમાન્ડ અપાયા હતા. અગાઉ, ગુરુવાર,૧૯ જાન્યુઆરીએ તેને લેસ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટ સમક્ષ હાજર કરાયો હતો. તેના પર કિરણની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેણે કિરણની હત્યા કરીને તેની લાશ એક મોટી બેગમાં ગોઠવી દીધી હતી. આ બેગ તેણે લેસ્ટરના એવિંગ્ટનમાં પોતાના ઘર નજીકની ક્રોમર સ્ટ્રીટમાં મૂકી દીધી હતી. કિરણના પુત્રે માતા ગૂમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન આ બેગમાંથી કિરણની લાશ મળી આવી હતી.
લેસ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટ સમક્ષ રજૂઆત કરતા પ્રોસીક્યુટર સુખી બાસીએ જણાવ્યું હતું કે,‘આરોપી સામે હત્યાનો આરોપ છે. મૃતક આરોપીની પૂર્વ પત્ની છે. આ દંપતી થોડા સમય સુધી પરણેલા હતા અને તેમને બે બાળક પણ છે. દંપતી તેમનું મકાન મૃતક કિરણની બહેનને વેચી રહ્યા હતા. વેચાણની રકમનો અડધો હિસ્સો મૃતક અને અડધો હિસ્સો આરોપી વચ્ચે વહંચાવાનો હતો. મેજિસ્ટ્રેટ્સ કોર્ટે દાઉદીઆને શુક્રલારે લેસ્ટર ક્રાઉન કોર્ટમાં સુનાવણી સુધી રિમાન્ડ પર સોંપતા જણાવ્યું હતું કે પ્લીની સુનાવણી વિડિયો લિન્ક દ્વારા ૧૬ ફેબ્રુઆરીએ થશે. કિરણ દાઉદીઆનો પરિવાર ગુરુવારે કોર્ટમાં હાજર રહ્યો હતો.
નેક્સ્ટ કોલ સેન્ટરમાં ફરજ બજાવતી કિરણની સ્કૂલ સમયની એક સહેલીએ જણાવ્યું હતું કે આશરે ૨૦ વર્ષ પહેલા તેમના લગ્ન થયાં હતા. પરંતુ, ૨૦૧૫માં તેમણે છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ કિરણ એકલી રહેતી હતી અને જીવનમાં સેટલ થવાનો પ્રયાસ કરતી હતી. તેમના ૨૦ વર્ષના લગ્નજીવનથી તેમને બે વયસ્ક બાળકો પણ છે.
કિરણના વ્યથિત પરિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું,‘ કિરણ એક પ્રેમાળ માતા, પૂત્રી, બહેન અને કાકી હતા. અમને સૌને તેમની ખૂબ ખોટ સાલશે. આ કપરા સમય દરમિયાન અમારી અંગતતા જળવાઈ રહે તે માટે યોગ્ય કરવા વિનંતી છે.’ લેસ્ટર પ્રત્યે અગાધ પ્રેમ ધરાવતી કિરણ દાઉદીઆ માટે પરિવારજનો અને મિત્રોએ સોશિયલ મિડિયા પર ભરપૂર સ્નેહ અને શ્રદ્ધાંજલિનો ધોધ વહાવ્યો હતો. ઝૂબેર ઓમરજી, સેજલ પટેલ, ભાવના સંઘાણી, કેરોલિન કોક્સ, કુલી બાસી, શિતલ પોલ, લીના પટેલ સહિતના મિત્રો અને અનામી લોકો પણ શ્રદ્ધાંજલિ આપવામાં જોડાયાં હતાં. સ્થાનિક રહીશોએ પણ કિરણ દાઉદીઆના સ્વભાવ અને સાલસતાને વખાણી હતી. એક સ્થાનિક રહીશે જણાવ્યું હતું કે કોઈ હોરર ફિલ્મમાંથી પ્રેરણા લઈને આ ઘટનાને અંજામ આપ્યો હોય તેવું લાગે છે. કોઈ આવું કેવી રીતે કરી શકે? મૃતદેહ બેગમાં મૂકી શકે?
કોલ સેન્ટર નેક્સ્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ખતરનાક સંજોગોમાં અમારા સાથી કિરણ દાઉદીઆના થયેલા કરુણ મૃત્યુથી અમને ખૂબ આઘાત લાગ્યો છે. કિરણ અમારી કસ્ટમર સર્વિસ ટીમના ખૂબ પ્રેમાળ અને આદરણીય સભ્ય હતાં. તેમણે ૧૭ વર્ષ અમારી સાથે કામ કર્યું હતું. અમે તેમના પરિવાર, મિત્રો અને સહકાર્યકરો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. સૌને તેમની ખોટ સાલશે. કિરણ દાઉદીઆનાં મૃત્યુનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવનાર છે.
ફોરેન્સિક ઓફિસરોએ મૃતદેહ મળ્યા બાદ સંખ્યાબંધ સ્થળોએ તપાસ હાથ ધરી હતી તેમજ તે વિસ્તારમાં ઘેરઘેર જઈને પૂછપરછ કરી હતી. સ્થાનિક દુકાનોમાં લાગેલા સીસીટીવીના ફૂટેજ પણ ડિટેક્ટિવોએ ચકાસ્યા હતા. કિરણ દાઉદીઆના મોતની તપાસ કરતા ડિટેક્ટિવ્ઝને સોમવારે લેસ્ટરની લીમે સ્ટ્રીટ અને ક્રોમર સ્ટ્રીટ વિસ્તારમાં કશી શંકાસ્પદ હિલચાલ કે સૂટકેસ સાથે કોઈ વ્યક્તિને નિહાળી હોય તેવા સાક્ષીની તલાશ છે.
જામીનઅરજી ન કરાતા રિમાન્ડ
પૂર્વ પત્નીની હત્યા કરી તેના શરીરને મોટી સૂટકેસમાં ભરીને ફેંકી દેવાની ઘટનાના આરોપી અશ્વિન દાઉદીઆને શુક્રવાર ૨૦ જાન્યુઆરીએ લેસ્ટર ક્રાઉન કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. માત્ર ૧૦ મિનિટની પ્રાથમિક સુનાવણીમાં કોઈ પ્લી કરવામાં આવી ન હતી. આરોપી તરફે વકીલ મેરી પ્રીઓર QCએ જણાવ્યું હતું કે તેઓ અત્યારે જામીન માટે અરજી કરતાં નથી પરંતુ યોગ્ય સમયે આવી અરજીની શક્યતા તેમણે નકારી ન હતી. તેમણે કહ્યું હતું કે ડોડિયાના માનસિક આરોગ્ય સંબંધિત સાઈકિયાટ્રિક રિપોર્ટ કરાવવામાં આવશે.
માર્ચમાં સુનાવણી કરવામાં આવશે
જજ નિકોલસ ડીન QCએ માર્ચમાં સુનાવણીની તારીખ રખાશે તેમ જણાવી અશ્વિન દાઉદીઆને પુનઃ રિમાન્ડ પર સોંપ્યો હતો. ગ્રે રંગના ટ્રેકસૂટ પહેરેલા ડોડિયાએ કોર્ટની કાર્યવાહી સમજવા માટે મહિલા ગુજરાતી દુભાષિયાની મદદ મેળવી હતી. તે પોતાના નામના સ્વીકાર તેમજ જજના આદેશો સમજ્યો હોવાનું દર્શાવવા પુરતું જ કોર્ટમાં બોલ્યો હતો. એમ મનાય છે કે જો જ્યુરી ટ્રાયલ યોજવામાં આવશે તો તે માત્ર બે સપ્તાહ પુરતી જ ચાલશે. જજ ડીને દાઉદીઆને જણાવ્યું હતું કે,‘આ કેસ ઔપચારિકતા પૂર્ણ કરવા જ લોવાયો છે. હત્યાનો આરોપ હોય ત્યારે મેજિસ્ટ્રેટ્સ જામીન અરજી વિચારી શકતા નથી. જોકે, આજે જામીન અરજી કરવામાં આવી નથી. તમારા વકીલને યોગ્ય જણાય તે સમયે આવી અરજી કરી શકે છે. આગામી સુનાવણીમાં તમારે આરોપો સંદર્ભે રજૂઆત (પ્લી) કરવાની થશે અને પ્લીને ધ્યાનમાં લઈ યોગ્ય આદેશો અપાશે. કેસની ટ્રાયલ ક્યાં, ક્યારે અને કોણ (જજ) ચલાવશે તેનો નિર્ણય પણ કરવામાં આવશે.’
કિરણની યાદમાં ફંડ રેઈઝિંગ અપીલ
કિરણ દાઉદીઆની બહેન કલ્પનાની ત્રણ ગાઢ સખીઓ લીના પટેલ, ભાવના સંઘાણી અને શિતલ પટેલે કિરણની યાદમાં ૧,૦૦૦ પાઉન્ડનું ભંડોળ એકત્ર કરવા JustGiving વેબસાઈટના પેજ પર ભંડોળ એકત્ર કરવા માટે અપીલ કરી છે. આ પેજ દ્વારા એકત્ર કરાયેલું ભંડોળ વિવિધ ચેરિટીઝને સુપરત કરાશે. ISJ Wealth Managementની ડિરેક્ટર લીના પટેલ અને કિરણ દાઉદીઆની બહેન કલ્પના ૨૦ વર્ષ અગાઉ બાર્કલેમાં સાથે નોકરી કરતાં હતાં અને ત્યારથી તેમનો સંબંધ છે.