લેસ્ટરઃ ગઈ ૩ માર્ચને બુધવારે મોડી રાત્રે લેસ્ટરના રોલેટ્સ હિલમાં આવેલા અપકમિંગ ક્લોઝ ખાતે ૨૯ વર્ષીય ગીતિકા ગોયલ ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. જોકે, બાદમાં તેનું મૃત્યુ થયું હતું. તેની હત્યાના આરોપસર લેસ્ટરના કશીશ અગ્રવાલને ૮મી માર્ચે લેસ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં રજૂ કરાયો હતો.
આ ઘટનામાં વિન્ટર્સડેલ રોડના થર્નબી લોંજમાં રહેતી ગીતિકા પર નાઈફના સંખ્યાબંધ ઘા ઝીંકીને તેને રસ્તા પર છોડી દેવાઈ હતી. મોડી રાત્રે કોઈક નાગરિકે પોલીસને બોલાવી હતી. પેરામેડિક્સની સાથે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ, ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ ગયું હતું.
પોલીસે તે વિસ્તાર કોર્ડન કરી લીધો હતો અને થોડાં કલાકમાં જ ગીતિકાની હત્યાના આરોપસર વિન્ટર્સડેલ રોડ પર રહેતા ૨૮ વર્ષીય કશીશ અગ્રવાલની ધરપકડ કરીને તેને કસ્ટડીમાં મોકલી દીધો હતો.
તપાસનું નેતૃત્વ કરી રહેલા ઈસ્ટ મીડલેન્ડ્સ સ્પેશિયલ ઓપરેશન યુનિટના ડિટેક્ટિવ ઈન્સ્પેક્ટર જેની હેગ્સે જણાવ્યું હતું કે ગીતિકાની હત્યા કેવી રીતે અને કેવા સંજોગોમાં થઈ તેની તપાસ માટે એક ટીમ પૂછપરછ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે. તેમણે આ ઘટના વિશે કોઈને પણ માહિતી હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધવા અનુરોધ કર્યો હતો.