લેસ્ટરશાયર પોલીસે ક્રાઈમ મુદ્દે લોકોનો ફીડબેક મેળવ્યો

Wednesday 07th December 2016 06:20 EST
 
 

લેસ્ટરઃ પોલિસીંગ અને કોમ્યુનિટી સુરક્ષાના મુદ્દે ૩,૦૦૦થી વધુ નિવાસીઓએ લેસ્ટરશાયર કાઉન્ટીના પોલીસ અને ક્રાઈમ કમિશનર (PCC) લોર્ડ વિલી બાક સમક્ષ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. લોર્ડ બાકે જણાવ્યું હતું કે ભાવિ પોલિસીંગ રણનીતિ ઘડવામાં લોકોનો ફીડબેક મદદરુપ નીવડશે. તેમનો પોલીસ એન્ડ ક્રાઈમ પ્લાન મુસદ્દો સોમવાર, પાંચ ડિસેમ્બરે કાઉન્ટીની પોલીસ એન્ડ ક્રાઈમ પેનલ સમક્ષ રજૂ કરાયો હતો.

સઘન જાહેર પરામર્શ પ્રોજેક્ટના પરિણામો જાહેર કરતા લોર્ડ બાકે જણાવ્યું હતું કે ‘ભાવિ કોમ્યુનિટી સુરક્ષાનો આધાર પ્રજાની જરૂરિયાતો, અપેક્ષા અને પ્રાથમિકતાઓ રહેશે. જે લોકોનું રક્ષણ કરવાનું છે તેમના માર્ગદર્શન હેઠળ જ પોલિસીંગ પૂરુ પાડવામાં આવશે.’

PCCએ ટેલીફોન, વેબ આધારિત સર્વે થકી ૩,૦૨૬ લોકોનાં મંતવ્યો મેળવવા ઉપરાંત, તેમની વરણી અગાઉ અને પછી પણ રુબરુ બેઠકોમાં સેંકડો લોકો પાસેથી પ્રાપ્ત ફીડબેકની વિચારણા કરી હતી. પરિણામો દર્શાવે છે કે ૧૦માંથી ૯ નિવાસીઓ માને છે કે ગુનાઓ ઘટાડવા અને અટકાવવા તેમજ હેટ ક્રાઈમ, ડોમેસ્ટિક વાયોલન્સ, સેક્સ્યુઅલ અપરાધો અને સાયબર ક્રાઈમ જેવાં છૂપાં ગુનાઓના રિપોર્ટિંગને પોલીસે પ્રાથમિકતા આપવી જોઈએ. નેબરહૂડ પોલિસીંગ ટીમોને પણ સતત ટેકો આપતાં રહેવું જોઈએ.

ક્રાઈમનો રિપોર્ટ કરવા તેમજ પોલીસ અને અન્ય એજન્સીઓ સાથે સંપર્ક કરવાનું સરળ બનાવવાની બાબત લેસ્ટરશાયર પોલીસ માટે ચોથો તેમજ પોલીસ વિઝિબિલીટી જાળવવાને પાંચમો મહત્ત્વનો મુદ્દો ગણાયો હતો.

ભાવિ પોલીસ સેવાઓ માટે રેવન્યુ વધારવાની બાબતને તથા અપરાધપીડિતો માટે સપોર્ટની ‘વન સ્ટોપ શોપ’ જોગવાઈને પણ જોરદાર સમર્થન પ્રાપ્ત થયું હતું. તારણો પર ટીપ્પણી કરતા લોર્ડ બાકે જણાવ્યું હતું કે,‘ મારી કામગીરીમાં લોકોને સાંભળવા મારી સૌથી મોટી પ્રાથમિકતા રહેશે. કોમ્યુનિટી સુરક્ષા પ્રાથમિકતાઓને આકાર આપવામાં પોતાની ભૂમિકાનું સ્થાનિક લોકો ગૌરવ અનુભવશે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter