લંડનઃ ભારતનાકેન્દ્રશાસિત પ્રદેશ દમણના વહીવટીતંત્રે લેસ્ટરમાં રહેતા દમણ સમાજના લોકોના દમણસ્થિત મકાનો તોડી પાડતા દમણવાસીઓમાં ચિંતાની લાગણી ફેલાઈ ગઈ હતી. તેમની રજૂઆતને પગલે કિથ વાઝ તેમની રજાઓ ટૂંકાવી મુખ્ય પ્રશાસક પ્રફૂલ પટેલને મળવા દમણ પહોંચી ગયા હતા. લેસ્ટર ઈસ્ટ મતવિસ્તારમાં હાલ ૧૧,૦૦૦ જેટલાં દમણના લોકો રહે છે. અન્ય હજારો લોકો યુકેના બીજા વિસ્તારોમાં રહે છે.
દમણના વહીવટીતંત્રે મકાનો તોડી પાડવાનો નિર્ણય લેતા હાલ લેસ્ટરમાં રહેતા દમણ સમાજના લોકો હવે શું થશે તે અંગે ચિંતાતુર બન્યા હતા. લેસ્ટરસ્થિત દમણવાસીઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે તેઓ દાયકાઓ સુધી દમણમાં રહ્યા હતા તેમ છતાં સરકારે તેમને પૂરતો સમય આપ્યા વિના તેમના મકાનો તોડી પાડ્યા હતા. કિથ વાઝે દમણ પહોંચીને મુખ્ય પ્રશાસક પ્રફૂલ પટેલ સાથે લગભગ એક કલાક બેઠક યોજી હતી.
વાઝે જણાવ્યું હતું કે દમણ સમાજે લેસ્ટરના વિકાસમાં મોટો ફાળો આપ્યો છે. તેઓ સ્થાનિક સમાજમાં ભળી ગયા છે. ભારત અને વિશ્વના અન્ય દેશોનાં ઘણાં લોકો માટે લેસ્ટર વતન બની ગયું છે. તેમાંના ઘણાં લોકો પોર્ટુગીઝ પાસપોર્ટ ધરાવતા હોવાથી બ્રેક્ઝિટને લીધે તેઓ હાલ ચિંતામાં છે. દમણમાં તેમના મકાનોનું ડિમોલિશન અને હજુ ઘણાં મકાનોની તોડફોડની શક્યતાને લીધે તેઓ ખૂબ ચિંતાતુર બન્યા છે.
કિથ વાઝે જણાવ્યું હતું,‘ મારે પ્રફૂલ પટેલ સાથે ખૂબ રચનાત્મક ચર્ચા વિચારણા થઈ હતી. હું માનું છું કે પટેલ દૂરંદેશી છે અને તેઓ દમણને ટુરિસ્ટ અને એજ્યુકેશન સેન્ટર તરીકે વિક્સાવવા માગે છે. દમણના વિકાસનો વ્યાપ વધારવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી તેનાથી હું ખૂબ પ્રભાવિત થયો હતો.’
વાઝે ઉમેર્યું હતું,‘ પ્રફૂલ પટેલ ભારત આવતા તમામ ટુરિસ્ટો માટે દમણ મુખ્ય પ્રવાસન સ્થળ બને તે સુનિશ્ચિત કરવાનું ઈચ્છે છે. મોટા શૈક્ષણિક કેન્દ્રની સાથે મોટી હોસ્પિટલો બનાવવાની યોજના છે. હું માનું છું કે મકાન તોડી પાડવા લોકોને ત્રણ દિવસની નોટિસ આપવી તે પૂરતો સમય નથી. હવે આ કેસ મુંબઈની હાઈ કોર્ટ સમક્ષ ગયો છે અને અમે તેના પરિણામની રાહ જોઈ રહ્યા છીએ. પટેલે વચન આપ્યું હતું કે કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી વધુ ડિમોલિશન થશે નહિ. આ મુદ્દાને સ્પર્શતી અન્ય બાબતો અંગે તેઓ મારી સાથે વાતચીત કરશે. મેં તેમના આ રચનાત્મક અને હકારાત્મક વલણને આવકાર્યું હતું. આપણે આ મકાનોનું ડિમોલિશન બંધ કરવું જોઈએ અને સ્થાનિક લોકો સરકાર સાથે વાટાઘાટો કરી શકે તેવી તક તેમને આપવી જ જોઈએ.’