લેસ્ટરઃ બે શહેરો- ગુજરાતના વડોદરા અને ઈંગ્લેન્ડના લેસ્ટરને સાંકળતી માઈગ્રેશન કથાના પરિણામે બે આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ- યુનિવર્સિટી ઓફ લેસ્ટર અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)એ તેમના સમાન ઈતિહાસની ખોજના વિશિષ્ટ પ્રોજેક્ટ માટે હાથ મિલાવ્યાં છે. બ્રિટિશ કાઉન્સિલના સ્પોન્સરિંગ સાથે યુનિવર્સિટી ઓફ લેસ્ટર દ્વારા ચોથી અને પાંચમી માર્ચે યુનિવર્સિટી ઓફ લેસ્ટર સ્કૂલ ઓફ મ્યુઝિયમ સ્ટડીઝ એન્ડ સેન્ટર ફોર અર્બન હિસ્ટરી ખાતે વિશેષ કાર્યક્રમમાં ‘માઈગ્રેશન સ્ટોરીઝઃ સાઉથ એશિયન હિસ્ટરીઝ એન્ડ કલ્ચર્સ’ વર્કશોપનું આયોજન કરાયું હતું. આ બે યુનિવર્સિટીઓ વચ્ચેનો સહકાર બારતીય યુનિવર્સિટીમાં સેન્ટર ફોર અર્બન સ્ટડીઝની સ્થાપના તરફ દોરી જશે.
ડેપ્યુટી પ્રો-વાઈસ ચાન્સેલર, ઈન્ટરનેશનલ, પ્રોફેસર માર્ટિન હેલિવેલે જણાવ્યું હતું કે,‘આ કાર્યક્રમનો થીમ- સાઉથ એશિયન માઈગ્રેશન એન્ડ ડાયસ્પોરાઝ ભારતીય ઉપખંડ અને બાકીના વિશ્વ વચ્ચેના સંકુલ અને ઐતિહાસિક રીતે બંધાયેલાં સંબંધોને સમજવા માટે ભારે મહત્ત્વ ધરાવે છે. વર્કશોપ, સ્ક્રીનિંગ્સ અને માઈગ્રેશન પ્રદર્શનની ૧૦૦ કથાઓ સાથેનો આ કાર્યક્રમ બન્ને યુનિવર્સિટીઓમાં કાર્યરત સંશોધકો માટે આદાનપ્રદાન અને સહકારનો માર્ગ મોકળો બનાવશે તેમ જ મિડલેન્ડ્સ અને ગુજરાત પ્રદેશની વ્યાપક કોમ્યુનિટીઓ વચ્ચે સંપર્ક ઉભો કરશે.’
‘આ કાર્યક્રમમાં સ્ક્રીનિંગ્સ, વસ્તુઓ અને ચર્ચા મારફત સાઉથ એશિયન માઈગ્રન્ટ્સના સંકુલ ઈતિહાસો અને સંસ્કૃતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરાશે, જેમાં લેસ્ટર અને મિડલેન્ડ્સમાં વસતા ઘણાં લોકોના જીવંત અનુભવોને વાચા મળશે. કાર્યક્રમમાં સંસ્થાનવાદ પછીની સંસ્કૃતિ, મુસ્લિમ ઓળખો અને વાણીસ્વાતંત્ર્ય વિષયોના નિષ્ણાત અને બ્રુનેલ યુનિવર્સિટીના ડો. અંશુમાન મોન્ડલના ચાવીરુપ સંબોધનનો પણ સમાવેશ થાય છે.’
MSU ખાતે ઈન્ટરનેશનલ એફેર્સના ડિરેક્ટર પ્રોફેસર શરદ બન્સલે કહ્યું હતું કે,‘વડોદરાની એમએસ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ લેસ્ટર સક્રિય શૈક્ષણિક ભાગીદારી ધરાવે છે. ગે વર્ષ કરતા ઓછાં સમયગાળામાં બન્ને યુનિવર્સિટીના વિવિધ વિભાગોના સંશોધકોએ ફળદાયી બૌદ્ધિક વાર્તાલાપ આરંભ્યો છે. યુનિવર્સિટી ઓફ લેસ્ટર સાથે મળી સેન્ટર ફોર અર્બન સ્ટડીઝ સ્થાપવા MSU પ્રતિબદ્ધ છે અને સેન્ટર સ્થાપવાની મંજૂરીનું કાર્ય અગ્રક્રમે પહોંચ્યું છે.’
સેન્ટર ફોર અર્બન હિસ્ટરીના અને લેસ્ટર ખાતે કોલેજ ઓફ આર્ટ્સ, હ્યુમનિટિઝ એન્ડ લોના વર્તમાન ઈન્ટરનેશનલ ડિરેક્ટર ડો. પ્રશાંત કિદામ્બીએ કહ્યું હતું કે ‘આ પ્રોજેક્ટ હાથ ધરવા લેસ્ટર શહેર અને યુનિવર્સિટી યોગ્ય સ્થાને ગોઠવાયેલા છે. વર્તમાન લેસ્ટરની વસ્તીનું વૈવિધ્ય અભૂતપૂર્વ છે. આ શહેર સાઉથ એશિયાના ઘણાં માઈગ્રન્ટ્સનું ઘર છે. તેમની હાજરીએ શહેરને વાસ્તવમાં બહુસાંસ્કૃતિક બનાવ્યું છે. વિકસતા શહેરી વાતાવરણના સંદર્ભમાં સાઉથ એશિયન માઈગ્રેશન અને ડાયસ્પોરાઝનો વિષયની પસંદગી સ્વાભાવિક છે.’
તેમણે ઉમેર્યું હતું કે,‘યુનિવર્સિટી ઓફ લેસ્ટર આ વિષય સાથે સંકળાવાની સમૃદ્ધ પરંપરા ધરાવે છે. તેના ઈંગ્લિશ, હિસ્ટરી, સોશિયોલોજી, મ્યુઝિયમ સ્ટડીઝ અને જીઓગ્રાફી સહિતના વિશ્વવિખ્યાત ડિપાર્ટમેન્ટ્સ આ વર્કશોપનું કેન્દ્ર બનેલા આ વિષયો સાથે દીર્ઘકાલીન સંબંધો ધરાવે છે. આ જ તજજ્ઞતા પર આ પ્રોજેક્ટનું નિર્માણ થઈ રહ્યું છે, જેને સર્જનાત્મક અને તુલનાત્મક ઢબે આગળ લઈ જવાશે.
વિષયવસ્તુ અને ભાગ લેનારાના ફલકની દૃષ્ટિએ પણ રસપ્રદ પ્રોજેક્ટ વિવિધ વિદ્યાશાખામાં સાઉથ એશિયન માઈગ્રેશન અને ડાયસ્પોરાઝના થીમ પર કાર્ય કરતા લેસ્ટર અને વડોદરાના સંશોધકોને સાથે લાવશે. આના પરિણામે, વિચારોના આંતરશાખાકીય વિનિમયને ઉત્તેજન મળશે.’