લેસ્ટરઃ વિગ્સ્ટનના કાર્લ્ટન ડ્રાઈવમાં વિગ્સ્ટન ફિલ્ડ્સ ન્યૂઝ એન્ડ ડેલી સ્ટોર ચલાવતા ૩૪ વર્ષીય પ્રતીક માસ્ટર પર એક ગ્રાહકે તેમના સ્ટોરમાં સોશિયલ ડિસ્ટન્સિંગના પગલાં વિશે ફરિયાદ કરી તેમની અને તેમના પત્ની બી (Bee) પર હુમલો કર્યો હતો. સમગ્ર લોકડાઉન દરમિયાન આ બન્ને કોમ્યુનિટી માટે અથાગપણે કાર્યરત હતા.
ગઈ ૩૦ જૂને તેઓ સ્ટોરમાં કાઉન્ટર પર હતા ત્યારે કેટલાંક યુવાનો આવ્યા હતા. તેઓ શોપની અંદર આવવા માગતા હતા. પરંતુ, પ્રતીકે તેમને જણાવ્યું હતું કે તેઓ સ્ટોરમાં એક સમયે માત્ર એક જ વ્યક્તિને પ્રવેશ આપે છે અને શોપમાં એક ગ્રાહક હાજર પણ હતા. તે ગ્રાહક બહાર ગયા પછી તેમનામાંથી એક યુવાન આવ્યો હતો અને ડ્રિન્કની બોટલ ખરીદી હતી. સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો હળવા બનાવાયા છે તેની મને ખબર છે કે નહિ તેના વિશે તેણે મને પૂછ્યું. મેં કહ્યું કે,‘મને ખબર છે પણ આપણે શક્ય તેટલા સલામત રહેવું જોઈએ.’ આ પછી બહાર ઉભેલા યુવાનોએ ઘોંઘાટ કરતા પ્રતીકે તેમને ત્યાંથી ચાલ્યા જવા કહ્યું હતું. તે શોપમાં પાછા જતા હતા ત્યારે તે ટોળાએ શોપ બહાર આવેલા કૂંડામાંથી છોડ ઉખેડીને જમીન પર ફેંકી દીધા હતા. આથી પ્રતીક તેમને અટકાવવા બહાર ગયા અને તેમની કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કારની બારી પકડી તો તે લોકોએ તેમના હાથ પર મુક્કા માર્યા હતા અને ખેંચીને જમીન પર ઘસડ્યા હતા. તેમાં પ્રતીકને ઘણી ઈજા થઈ હતી અને તેમણે તરત જ પોલીસને બોલાવી હતી.
પ્રતીકે ઉમેર્યું કે શોપ બહાર રાહ જોઈ રહેલા કેટલાંક ગ્રાહકોએ કૂંડા વ્યવસ્થિત કરીને સાફસૂફી કરી હતી. કેટલાંક મિત્રો શોપમાં ગ્રાહકોને સર્વિસ આપવામાં જોડાયા હતા. પ્રતીકે ઉમેર્યું કે આ ઘટનામાંથી એક વાત જણાઈ કે કોમ્યુનિટી સંગઠિત થઈ રહી છે. લોકો એકબીજાની નજીક આવવા લાગ્યા છે.