લેસ્ટરઃ વેચાણ અંગે જુઠું બોલીને £૫૦૦,૦૦૦નું વેટકૌભાંડ આચરનારા ૫૧ વર્ષના બિઝનેસમેન બુલબિન્દરસિંહ સાંધુને લેસ્ટર ક્રાઉન કોર્ટે બે વર્ષની જેલની સજા ફરમાવી છે. સાંધુએ ખોટો ક્લેઈમ કર્યો હતો કે નોર્થ એવિંગ્ટનમાં આવેલી તેમની પેઢી ઈશર ફેશન્સે પેરિસની નાની દુકાનોને £૪ મિલિયનના મૂલ્યના લેડીઝ વસ્ત્રોનું વેચાણ કર્યું હતું.
જોકે, તપાસમાં આ દાવા અનુસાર કોઈ રોકડ વેચાણ થયું જ ન હોવાનું જણાયું હતું. રેવન્યુ અને કસ્ટ્મ્સ વિભાગે ખોટા ઈનવોઈસના મુદ્દે ફ્રેન્ચ સત્તાવાળાની મદદ લઈ પેરિસની તમામ દુકાનોમાં તપાસ કરી હતી. કોર્ટે £૫૦૦,૦૦૦ની જપ્તી ઉપરાંત, £૬,૨૦૦ ખર્ચના ચુકવવા આદેશ કર્યો હતો. સાંધુએ જાન્યુઆરી ૨૦૧૦- જાન્યુઆરી ૨૦૧૧ના ગાળામાં બોગસ વેટ રિટર્ન રજૂ કર્યાની કબૂલાત કરી હતી.