લેસ્ટરઃ પોતાના ડોગ સાથે વોટરમેડ પાર્કમાં ફરવા ગયેલી ૨૦ વર્ષીય યુવતી પર ગુરપાલ સિંઘ ગિલે દુષ્કર્મ આચર્યું હતું. લેસ્ટર ક્રાઉન કોર્ટના જજ રોબર્ટ બ્રાઉને ૩૩ વર્ષીય ગિલને ૧૧ વર્ષ અને ત્રણ મહિનાની જેલ અને લાઈસન્સ પર વધારાના છ વર્ષની સજા ફરમાવી હતી. જજ બ્રાઉને જણાવ્યું હતું કે પીડિતાએ નોંધપાત્ર સમયસૂચકતા દર્શાવી હતી.
આ ઘટના A ૫૬૩ વોટરમેડ વે અને બાથ સ્ટ્રીટ વચ્ચે બની હતી. ગિલ તેને આંતરીને બળજબરીપૂર્વક ઝાડીઓમાં ઘસડી ગયો ત્યારે પીડિતાએ 999 પર કોલ કર્યો હતો. તેણે તેનાથી શક્ય તેટલો પ્રતિકાર કર્યો હતો અને પોતાને છોડી દેવા વિનંતી કરી હતી. ગિલે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેથી તેને જીવનું જોખમ લાગ્યું હતું. તે સ્થળેથી એક સાઈકલિસ્ટ પસાર થતાં ગિલ તે યુવતીને બીજી ગીચ ઝાડીમાં લઈ ગયો હતો. જોકે, પીડિતાએ ગિલને ખબર ન પડે તે રીતે તેનો ફોટો પાડી લીધો હતો. દુષ્કર્મ ગુજાર્યા બાદ ગિલ લંડન નાસી ગયો હતો. પોલીસે શોધખોળ બાદ ત્યાંથી તેની ધરપકડ કરી હતી. ગિલ સાત વર્ષથી યુકેમાં ગેરકાયદે રહેતો હતો. તે અગાઉ પણ કેટલાંક ગુનામાં ગુનેગાર ઠર્યો હતો.
દુષ્કર્મની આ ઘટનાની પીડિતા અને તેની માતા પર ભારે અસર પડી હતી. પ્રોસિક્યુટર એલેક્સ યંગે જણાવ્યું હતું કે પીડિતાને પોતાની સાથે આવી ઘટના બનવાનો કોઈ અણસાર ન હતો.
લેસ્ટર પોલીસના ડિટેક્ટિવ કોન્સ્ટેબર રિચાર્ડ વિલ્સને જણાવ્યું હતું કે જાહેર સ્થળે મહિલા પર થયેલો આ હુમલો ખૂબ નિંદનીય છે.