લેસ્ટરઃ બારટેન્ડરમાંથી નવોદિત ડિજિટલ ઈફેક્ટ્સ માસ્ટર સ્ટુડન્ટ બનેલી શિવાની શાહને બાફ્ટા સ્કોલરશિપ અપાશે. બ્રિટિશ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટ્સ (BAFTA) વાર્ષિક સ્કોલરશિપ યોજના અન્વયે તેને £૧૦,૦૦૦ સુધીની નાણાકીય સહાય અપાશે. શિવાની આ યોજનાના ભાગરૂપ પ્રતિષ્ઠિત પ્રિન્સ વિલિયમ સ્કોલરશિપ પણ મેળવનાર ત્રણમાંથી એક વ્યક્તિ છે. લેસ્ટરની શિવાની હવે નેશનલ ફિલ્મ એન્ડ ટેલિવિઝન સ્કૂલ (NFTS) ખાતે MA ડિજિટલ ઈફેક્ટ્સનો અભ્યાસ ચાલુ રાખશે.
શિવાની શાહે લેસ્ટર મર્ક્યુરીને જણાવ્યું હતું કે,‘પ્રિન્સ વિલિયમ સ્કોલરશિપ અપાવા બદલ હું રોમાંચ અને ગૌરવ અનુભવું છું. વિઝ્યુઅલ ઈફેક્ટ્સનું સ્વપ્ન પૂર્ણ કરવા મારા પરિવાર અને મિત્રો તરફથી નોંધપાત્ર સહાય મળી છે, પરંતુ બાફ્ટાના લીધે હવે તે સ્વપ્ન સારી રીતે હાંસલ કરી શકાશે. આ માટે હું ખરેખર આભારી છું.’
પ્રિન્સ વિલિયમે પણ યોજના દ્વારા ઓફર કરાતી તકો વિશે ગૌરવ દર્શાવી આ વર્ષે સ્કોલરશિપ મેળવનારાઓને અભિનંદન પાઠવવા સાથે ભાવિ કારકીર્દિઓમાં સફળતા ઈચ્છી હતી.