લેસ્ટરઃ શીખો માટે મહત્ત્વપૂર્ણ ઉત્સવ વૈશાખીની લેસ્ટરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. રવિવાર, 1 મેના દિવસે લેસ્ટરમાં વૈશાખી સરઘસનું આયોજન કરાયું હતું જેમાં, 10,000થી વધુ શીખ અને હિન્દુ સહિત અન્ય લોકો સામેલ થયા હતા. શીખ ગુરુ ગોવિંદસિંહના નેતૃત્ત્વ હેઠળ 1699માં લડાયક ખાલસા ધર્મપંથની રચના કરાઈ હતી તેને આ દિવસ સમર્પિત કરાય છે. ખુશખુશાલ ચહેરા, સુમધુર ગીતો તેમજ રંગબેરંગી ભારતીય પરંપરાના વસ્ત્રોમાં સજ્જ લોકોએ લેસ્ટરની સ્ટ્રીટ્સને આનંદિત બનાવી દીધી હતી.
કોરોના મહામારી પછી પ્રથમ વખત આ વાર્ષિક ઈવેન્ટ જોરશોરથી મનાવાયો હતો અને શીખ સમુદાય ઉત્સાહપૂર્વક ઉજવણીમાં સામેલ થયો હતો. લોકોએ ઉત્સવની ઉજવણી યોગ્ય રીતે કરાયાનો આનંદ પણ વ્યક્ત કર્યો હતો. વૈશાખીનો ઉત્સવ વસંત ઋતુની પાકની લણણી માટે પણ ઉજવાય છે. હિન્દુઓ અને અન્ય ધાર્મિક સમુદાયો પણ આ ઉજવણીમાં સામેલ થાય છે.
સેન્ટ નિકોલસ સર્કલના હોલી બોન્સ ખાતેના ગુરુ નાનક ગુરુદ્વારાથી સવારે 11.30 વાગ્યાથી ધર્મયાત્રાનો આરંભ કરાયો હતો અને હાઈ સ્ટ્રીટ,હમ્બરસ્ટોન ગેટ, ચાર્લ્સ સ્ટ્રીટ, સેન્ટ જ્યોર્જ્સ વે, સ્વેઈન સ્ટ્રીટ અને સેન્ટ પીટર્સ રોડ થઈને ત્રણ કલાકનું સરઘસ સમગ્ર શહેરમાં ફર્યું હતું. નોર્થ એવિંગ્ટનના ઈસ્ટ પાર્ક રોડ ખાતે બપોરે 2.30 વાગ્યા પછી સરઘસનું સમાપન થયું હતું.
વૈશાખી પરેડ સલામત રીતે સંપન્ન થાય તે માટે લેસ્ટર સિટી કાઉન્સિલ અને લેસ્ટરશાયર પોલીસે ભારે જહેમત ઉઠાવી હતી. ઉત્સવપ્રિય સમુદાયની ભારે ભીડ હોવાથી શહેરના ટ્રાફિકને પણ અન્ય માર્ગોએ વાળવામાં આવ્યો હતો.