લેસ્ટરઃ પોલીસે વિચિત્ર હાથચાલાકીથી કરાતી સોનાની જ્વેલરીની સંખ્યાબંધ ચોરી અંગે લોકોને ચેતવણી આપી છે. આ ઘટનાઓમાં ચોર તેના શિકારના ગળામાં ચેઈન પહેરાવે છે અને સિફતથી તેમની પહેરેલી જ્વેલરી સેરવી લે છે. બેલગ્રેવ, લેસ્ટરના પોલીસ અધિકારીઓના માનવા અનુસાર તેમના વિસ્તારમાં ચોરીની આ નવતર પદ્ધતિ હમણાં જ જોવા મળી છે. ગત ત્રણ-ચાર સપ્તાહમાં બે મહિલા અને એક પુરુષ સહિત ત્રણ વ્યક્તિ આવી ચાલાકીનો ભોગ બની છે. બેલગ્રેવ પોલીસ ટીમ લોકોને સાવધાની રાખવા અને સોનાની જ્વેલરી ન પહેરવાં જણાવી રહી છે.
ઓફિસરોએ ચોરની કાર્યપદ્ધતિ વર્ણવતા કહ્યું હતું કે ચોર તેમના શિકાર પાસે જઈ તેના માતા-પિતા ગંભીરપણે બીમાર છે અથવા હાલમાં જ મૃત્યુ પામ્યાં હોવાનું કહે છે. આ પછી તે એક નેકલેસ બતાવી તેના માતાપિતા શિકારને આપવા ઈચ્છતા હોવાનું કહે છે. આ પછી તે શિકારના ગળામાં નેકલેસ ગોઠવવા પ્રયાસ કરે છે. આ પછી ચાલાકીથી શિકારના ગળામાં પહેરેલી ચેઈન કે જ્વેલરી ખોલી સેરવી લે છે. શિકારને શું થાય છે તે ખબર પણ પડતી નથી.
પોલીસ કહે છે કે સામેની વ્યક્તિ મુંઝાઈ ગઈ હોવાથી ચોરની પદ્ધતિ કામ કરી જાય છે. સાર્જન્ટ સારાહ વિડ્ડોસને જણાવ્યું હતું કે આ વિચિત્ર હરકત અમે અગાઉ જોઈ નથી. કોઈ અજાણી વ્યક્તિ તમારી સામે જ આવીને તેના પેરન્ટ્સની નિશાની જેવી જ્વેલરી તમારા ગળામાં રાખવા આગ્રહ કરે ત્યારે કોઈ પણ વ્યક્તિ ગુંચવાઈ જાય.