લેસ્ટરઃ શનિવાર, ૧૮ જાન્યુઆરીની સાંજે લેસ્ટરમાં માતા અને ભાઇ સાથે ફરવા નીકળેલા ગુજરાતી મૂળના ૧૦ વર્ષીય બાળક તનીશ મિસ્ત્રીને ગળામાં ચાકુથી ઘા કરાતા તેને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ લઈ જવાયો હતો. ચમન્કારી રીતે તે બચી જવા પામ્યો છે અને સ્ટીચીઝ સાથે ઘેર લવાયો છે. આ ઘટના તેમજ અન્ય ત્રણ વ્યક્તિ પર હુમલા સંદર્ભે લેસ્ટરના ૩૨ વર્ષીય કાર્લોસ વિનોદચંદ્ર રસિતાલાલની ધરપકડ કરાઈ હતી. આરોપીને લેસ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટ સમક્ષ હાજર કરાયા પછી તેને પોલીસ કસ્ટડીમાં સોંપાયો છે. હવે તેને ૧૦ ફેબ્રુઆરીએ લેસ્ટર ક્રાઉન કોર્ટમાં હાજર કરાશે.
બેલગ્રેવની કેથેરાઈન સ્ટ્રીટ નજીકની બેલ્પર સ્ટ્રીટ ખાતે સાંજના ૫.૨૦ના સુમારની આ ઘટનામાં હુમલાખોરે ગરદનમાં ચાકુ હલાવી દીધું હતું. તનીશ પાર્કિંગ સ્પેસમાં ગાડી રીવર્સ લઈ રહેલી માતાને મદદ કરતો હતો ત્યારે તેના પર હુમલો થયો હતો. મારા પર સ્ટેબિંગ થયું છે તેમ તનીશે કહ્યું તો માતાએ પહેલા તો માન્યું નહિ પરંતુ, વસ્ત્રો પર લોહી જોતાં તે દોડી હતી.
હુમલા વખતે આ બાળકના ૩૯ વર્ષીય પિતા કલ્પેશ મિસ્ત્રી હજારો માઈલ દૂર ભારતમાં હતા અને તેમના ૧૩ વર્ષના બીજા પુત્રે વિડીયો કોલ મારફતે વાત કરતાં તેમણે પોતાના પુત્રને લોહીલુહાણ હાલતમાં જોયો હતો. કલ્પેશે જણાવ્યું હતું કે,‘ મેં જોયું કે મારી પત્ની મારા પુત્રની લોહીયાળ ગરદન પકડીને ઊભી હતી અને લોહી નીકળતું રોકવાનો પ્રયત્ન કરતી હતી. મેં પૂછ્યું,‘એમ્બ્યુલન્સ શા માટે આવી નથી.’ મને ફોન પર પોલીસ સાઈરન્સ સંભળાતી હતી. મારા પુત્રને શું કરવું તે ખબર પડતી ન હતી અને હું હજારો માઈલ દૂર હતો.’ તેમણે કહ્યું કે,‘મારો પુત્ર હવે સારો છે. તેણે મને કહ્યું હતું કે તેણે કોઈને દીવાલ પર ચડી તેના તરફ જોતા નિહાળ્યો હતો. તે માણસે મારો ખભો પકડી ગરદન પર ચાકુ જેવું ફેરવી દીધું હતું. તે વ્યક્તિ આમ કરતા જાણે તેને મઝા આવતી હોય તેમ હસતો હતો.’
મિસ્ત્રી પરિવારના મિત્ર ધર્મેશ લાખાણી પણ મદદમાં આવી ગયા હતા અને નોટિંગહામના ક્વીન્સ મેડિકલ સેન્ટરમાં તનીશની પથારી પાસે માતા અને ભાઈની સાથે ઉભા રહ્યા હતા. કલ્પેશે કહ્યું હતું કે, ‘ધર્મેશ મારા ભાઈ જેવો જ છે અને તે સતત મારા સંપર્કમાં રહ્યો હતો.’ થોડા સમય પહેલા સમગ્ર પરિવાર ભારતમાં હતો પરંતુ, કલ્પેશને કામ હોવાથી તે વધુ સમય રોકાયા હતા. આ ઘટનાના પગલે મિસ્ત્રી તત્કાળ ભારતથી લેસ્ટર આવી પહોંચ્યા હતા.