લેસ્ટરઃ આગામી નવેમ્બરમાં એક પખવાડિયા લાંબા ‘દિવાલી લેસ્ટર’ ઉત્સવના આયોજનની કામગીરી આરંભી દેવાઈ છે. હિન્દુ, શીખ અને જૈનો દ્વારા ઉજવાતા દિવાળીના તહેવારના વિવિધ કાર્યક્રમો માટે સ્પોન્સરશિપ ઈચ્છતા લેસ્ટર સિટી કાઉન્સિલના દસ્તાવેજોમાં આ વિગતો બહાર આવી છે.
ગોલ્ડન માઈલ વિસ્તારને રવિવાર ૧ નવેમ્બરથી ૧૧મી નવેમ્બરે દિવાળીના દિવસ તેમ જ ૧૫ નવેમ્બર સુધી પ્રકાશથી ઝળાહળાં કરવામાં આવશે. સિટી કાઉન્સિલ દ્વારા છેક ૧૯૮૦ના દાયકાથી આ રોશની અને સમાપન સમયે આતશબાજીનો કાર્યક્રમ ગોઠવાય છે અને ૩૦,૦૦૦થી ૪૦,૦૦૦ લોકો તેની મુલાકાત લે છે. કોમ્યુનિટી જૂથો અને મંદિરો દ્વારા યોજાતાં અન્ય કાર્યક્રમોને બે મુખ્ય કાર્યક્રમો સાથે સાંકળી લેવાનો હેતુ છે. કાઉન્સિલ દિવાળી ૨૦૧૫ કાર્યક્રમમાં £૮૮,૦૦૦નો ખર્ચ કરશે અને અન્ય કાર્યક્રમો માટે ખાનગી સ્પોન્સરશિપ મળે તેવું આયોજન પણ થઈ રહ્યું છે.