• શરાબી પ્રવાસીએ વિમાનમાં સ્કૂલ ગર્લને સેક્સ માટે ફોસલાવી

Tuesday 10th March 2015 06:20 EDT
 

નવી દિલ્હીથી હીથ્રો સુધીની વિમાની મુસાફરી દરમિયાન ૧૪ વર્ષની સ્કૂલ ગર્લને સેક્સ માટે ફોસલાવવા બદલ લેસ્ટરના પ્રવાસી મનજિત સિંહ સિદ્ધુને ચાર મહિનાની જેલની સજા ફરમાવાઈ હતી. મુસાફરીમાં શરાબી મનજિતસિંહે બાળા સાથે બેંગકોકના કુખ્યાત રેડ-લાઈટ એરિયા, વેશ્યાઓ અને ડ્રગ્સ સહિતની વાતો કરી હતી. શાળાની વિદ્યાર્થિની ક્લાસમેટ્સ સાથે શૈક્ષણિક પ્રવાસથી ઘેર પાછી ફરી રહી હતી.

• હુમલાખોરને નુકસાન ન પહોંચાડવા વિનંતી

ગયા વર્ષે પાંચ દિવસમાં ચાકુની અણીએ બે વખત લૂંટનો શિકાર બનેલા ન્યૂઝ એજન્ટ ઘનશ્યામ પટેલે તેમના પર હુમલો કરનારને કોઈ નુકસાન ન પહોંચે તેવી વિનંતી કરી હતી. આન્દ્રે રોઝે લૂંટ ચલાવવા તેમના ગળા પર ૧૨ ઈંચનું ચાકુ ધરી દીધું હતું. આઈઝલવર્થ ક્રાઉન કોર્ટે ૨૭ ફેબ્રુઆરીએ આન્દ્રેને ૪૦ મહિનાની જેલની સજા ફરમાવી હતી.

• ચરસ ઉત્પાદક અપરાધીએ ગુનો કબૂલ્યો

લેસ્ટરમાં પોલીસ તપાસમાં £૪૦૦ના મૂલ્યના ચરસ સાથે ડિસેમ્બર ૨૦૧૩માં પકડાયેલા બર્મિંગહામના ચરસ ઉત્પાદક નાફા હુસૈને લેસ્ટર ક્રાઉન કોર્ટ સમક્ષ ગુનો કબૂલ કરી લીધો હતો. તે પોતાના ઘરમાં ચરસ-ગાંજાના છોડનું વાવેતર કરે છે. પોલીસને તેના ઘરમાં ૫૫ છોડ મળી આવ્યા હતા. જામીન પર છોડાયેલા હુસૈન સામે સજા અગાઉનો રિપોર્ટ તૈયાર કરવા કોર્ટ ૨૬ માર્ચ સુધી મુલતવી રહી હતી.

• કાર પાર્કમાં નકામી વસ્તુઓ ફેંકવા બદલ દંડ

લેસ્ટરશાયરના સ્કૂલ કાર પાર્કમાં ટોઈલેટની સીટ, કાર્ડબોર્ડ, પ્લાસ્ટિક અને ઘરવખરીની અન્ય નકામી ચીજો ફેંકવા બદલ ઉનુસ આદમને લેસ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટે દંડ તરીકે £૨૦૦, કોર્ટ કોસ્ટના £૧૫૦ અને વિક્ટિમ સરચાર્જના £૨૦ ચુકવવા આદેશ કર્યો હતો. સ્વિમિંગ પૂનની મુલાકાતે આવેલા આદમે નકામો કચરાનો ઢગલો કર્યો તે ઘટના સીસીટીવીમાં ઝીલાઈ હતી. આ માટે ચાર્નવૂડ બરો કાઉન્સિલે ફરિયાદ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter