લંડનઃ નેશનલ વાયોલન્સ અગેન્સ્ટ વિમેન એન્ડ ગર્લ્સ એવોર્ડ ખાતે અસંખ્ય મહિલાઓને સહાય કરવા અને જીવનમાં નવી આશા જગાવવા માટે લેસ્ટરના પોલીસ અધિકારી દિપ્તી માનાનીને પુરસ્કૃત કરાયાં હતાં. પોલીસ કોન્સ્ટેબલ માનાની ઇસ્ટ લેસ્ટર નેબરહૂડ પોલિસિંગ એરિયામાં ફરજ બજાવે છે. પ્રતિબદ્ધતા અને કરૂણા સાથે આ વિસ્તારમાં પોતાની અમીટ છાપ છોડવા માટે તેમને પુરસ્કૃત કરાયાં છે.
દિપ્તીના કાર્યક્ષેત્રમાં વિવિધ ધર્મ, આસ્થા અને સંસ્કૃતિના લોકો રહે છે અને આ વિસ્તારમાં સંખ્યાબંધ ભાષા પણ બોલાય છે. આવી સ્થિતિમાં એક પોલીસ કર્મચારી માટે કામગીરી થોડી મુશ્કેલ બની રહે છે. દિપ્તીએ ડોમેસ્ટિર એબ્યુઝ ચેરિટી ઝિન્થિયા ટ્રસ્ટ સાથે મળીને ઘરેલુ અને જાતીય હિંસાનો ભોગ બનતી મહિલાઓ અને કિશોરીઓને સહાયની કામગીરી હાથ ધરી હતી.
તેમના દ્વારા આયોજિત સેશનોમાં સારા પરિણામ પ્રાપ્ત થતાં દિપ્તી અને ઝિન્થિયા ટ્રસ્ટે આ કાર્યમાં મોટી સંખ્યામાં ચેરિટી સંસ્થાઓ અને સંગઠનોને સામેલ કર્યાં હતાં. હવે તેમના સેશનો સાથે 80 જેટલી એજન્સી સંકળાયેલી છે.
આ એવોર્ડ માટે દિપ્તીના નામનું સૂચન ઇસ્ટ લેસ્ટરના એનપીએ કમાન્ડર ઇન્સ્પેક્ટર ચાર્લ્સ એડવર્ડ્સ દ્વારા કરાયું હતું. તેમણે જણાવ્યું હતું કે, મેં આટલા વર્ષોમાં ઘણા કોમ્યુનિટી પ્રોજેક્ટ જોયાં છે પરંતુ આટલી વ્યાપક સ્વીકૃતિ ધરાવતો પ્રોજેક્ટ ક્યારેય જોયો નથી. આ પ્રોજેક્ટ દ્વારા ઘરેલુ અને જાતીય હિંસાની ઘણી પીડિતોને સહાય મળી છે. દિપ્તીના કારણે મોટી સંખ્યામાં સ્થાનિક કિશોરીઓ અને મહિલાઓ સુરક્ષિત છે અને પોલીસમાં વધુ વિશ્વાસ ધરાવતી થઇ છે.
એવોર્ડ સ્વીકારતાં દિપ્તીએ જણાવ્યું હતું કે, મારા આ કાર્યમાં યોગદાન આપનારી તમામ એજન્સીઓની હું આભારી છું. મેં ક્યારે કલ્પના કરી નહોતી કે મારું આ કાર્ય આટલું સફળ થશે. આ કાર્ય દ્વારા ભાષાઓના બંધન તૂટ્યાં છે અને ઘણા લોકોના જીવનોમાં બદલાવ આવ્યો છે.