લેસ્ટરના મની લોન્ડરર સલીમને પાંચ વર્ષની કેદ

Wednesday 04th August 2021 03:41 EDT
 
 

લેસ્ટરઃ મની લોન્ડરીંગની ગેરકાયદે પ્રવૃત્તિ બદલ દોષિત ઠરેલા લેસ્ટરના સલીમ પટેલને કોર્ટે પાંચ વર્ષ કેદની સજા ફરમાવી છે. દર મહિને અંદાજે પાંચ મિલિયન પાઉન્ડના કહેવાતા ડ્રગ્સ મનીની હેરાફેરી કરતો હોવાનું મનાતા ૩૬ વર્ષીય મની લોન્ડરર સલીમ પટેલને વાનમાં ૧૩૨,૦૦૦ પાઉન્ડથી વધુની રોકડ સાથે ઝડપી લેવાયો હતો. નાણાકીય હેરાફેરી કરનારા સલીમે તો એટલું જણાવ્યું હતું કે તેણે માત્ર ડિલિવરીનું કામ કર્યું હતું. સલીમ પટેલ લેસ્ટરના બિઝનેસ યુનિટમાં મશીનોથી ગણતરી કરાતા અને વહેંચણી માટે પેકબંધ કરાતા લાખો પાઉન્ડનું લોન્ડરિંગ ઓપરેશન ચલાવતો હોવાનું કહેવાયું છે.

લેસ્ટર ક્રાઉન કોર્ટે સલીમ પટેલને પાંચ વર્ષની જેલની સજા ફરમાવી હતી. ક્રાઈમમાં જપ્ત કરાયેલી રકમ મુદ્દે આ વર્ષના પાછળના ભાગમાં સુનાવણી કરાશે.

સલીમ પટેલ ૮ એપ્રિલ, ગુરુવારે લેસ્ટરમાં હમ્બરસ્ટોન રોડ નજીક એશ સ્ટ્રીટમા નિસ્સાન વાનમાં પસાર થઈ રહ્યો હતો ત્યારે પોલીસે તેને અટકાવ્યો હતો. તપાસ દરમિયાન તેની વાનમાંથી ૧૩૦,૦૦૦ પાઉન્ડની રોકડ ઝડપી લેવાઈ હતી.
વાનના ફૂટવેલમાં કોથળામાં એમેઝોન કાર્ડબોર્ડ બોક્સીસમાં ગોઠવાયેલા ૫૦૦૦ પાઉન્ડના બંડલ્સમાં ૧૨૫,૦૭૦ પાઉન્ડની રકમ ઉપરાંત, વાહનમાં જ વધુ ૭,૦૦૦ પાઉન્ડ તેમજ ઈન્ડસ્ટ્રિયલ યુનિટની સેઈફમાં ૨,૦૮૫ પાઉન્ડ મળી આવ્યા હતા.
વાનમાં આટલી બધી રોકડ વિશે પૂછવામાં આવતા સલીમ પટેલે કહ્યું હતું કે તે માત્ર ડિલિવરીનું કામ કરી રહ્યો હતો. ઓફિસરોએ એશ સ્ટ્રીટના અસા હાઉસમાં કોમર્શિયલ યુનિટમાં પણ તપાસ કરી હતી જ્યાં કેશ કાઉન્ટિંગ મશીન તથા નંબર્સ કે રોકડની વિગતો સાથેની ખાલી પ્લાસ્ટિક બેગ્સ મળી આવી હતી.
પ્રોસીક્યુટર ક્રિસ્ટોફર જેયસે લેસ્ટર ક્રાઉન કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે વાનમાં આગળની મુસાફર બેઠક પર રહેલી લેજર મારફત મની લોન્ડરિંગ ઓપરેશનની સંપૂર્ણ વિગતો મળી હતી જેમાં આશરે ૪.૬૯ મિલિયન પાઉન્ડની રકમની કાર્યવાહી કરી લેવાયાની વિગતો પણ હતી. સ્કોટલેન્ડ યાર્ડ ફોરેન્સિક એકાઉન્ટન્ટ દ્વારા લેજરની ચકાસણી કરવામાં આવી હતી. લેજરમાં અસંખ્ય રોકડ કન્સાઈન્ટમેન્ટની નોંધ હતી જેની સરેરાશ ૧૨૦,૦૦૦ પાઉન્ડ હતી. જોકે, એક રિસિપ્ટ ૩૦૦,૦૦૦ પાઉન્ડની પણ હતી. લેસ્ટરના અપિંગહામ રોડથી દૂર કોલ્ચેસ્ટર રોડના સલીમ પટેલે ક્રિમિનલ પ્રોપર્ટી ધરાવવાના તેમજ ૧૨૫,૦૭૦ પાઉન્ડની રકમ છુપાવવાના કે ટ્રાન્સફર કરવા ઉપરાંત, ૭ માર્ચથી ૮ એપ્રિલના ગાળામાં ૪,૬૯૨,૫૯૦ પાઉન્ડની રકમ સંબંધિત આવા જ ગુનાઓની કબૂલાત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter