લંડનઃ દેશની તમામ કાઉન્ટીઓમાં લેસ્ટર ટી.બી. (ટ્યુબરક્યુલોસિસ)ના દર્દીઓ ધરાવતી બીજા ક્રમની કાઉન્ટી છે. લેસ્ટર સીટિ કાઉન્સિલની પબ્લિક હેલ્થ કમિટીને પબ્લિક હેલ્થ ડિરેક્ટર રોબ હાવર્ડે જણાવ્યું હતું કે, છેલ્લા 12 મહિનામાં લેસ્ટરમાં ટીબીના 200 કરતાં વધુ દર્દી નોંધાયાં છે.
કમિટીની મિટિંગ પહેલાં જારી કરાયેલા દસ્તાવેજો અનુસાર લેસ્ટરમાં છેલ્લા 3 વર્ષમાં સરેરાશ ટીબીના દર્દીઓની સંખ્યા દેશની સરેરાશ કરતાં વધુ રહી છે. છેલ્લા 3 વર્ષમાં લેસ્ટરમાં દર એક લાખની વસતીએ ટીબીના 40 કેસ નોંધાયાં છે. જેની સામે દેશમાં દર એક લાખની વસતીએ ટીબીના 10 કરતાં ઓછા કેસ જોવા મળે છે.
જોકે 2000ના દાયકાના પ્રારંભિક વર્ષોની સરખામણીમાં ટીબીના પ્રસારમાં ઘટાડો થયો છે પરંતુ હાલના આંકડા પણ આરોગ્ય સત્તાવાળાઓ માટે ચિંતાનું કારણ બની રહ્યાં છે. હાવર્ડે જણાવ્યું હતું કે, આ રોગને નિયંત્રણમાં લેવા માટે વધુ પગલાં લેવાની જરૂર છે.
2001ના પ્રારંભથી 3 વર્ષમાં લેસ્ટરમાં ટીબીના દર એક લાખે 80 કેસ નોંધાતાં હતાં. ત્યારપછી ટીબીના કેસોમાં ઘટાડો થયો હતો પરંતુ તાજેતરના વર્ષોમાં ફરી એકવાર આ રોગચાળો માથુ ઉંચકી રહ્યો છે.