લેસ્ટરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, માનવ મહેરામણ ઉમટ્યો

બેલગ્રેવ રોડ, દિવાળી વિલેજ અને મંદિરોમાં સનાતન ધર્મીઓએ ધામધૂમથી પ્રકાશનું પર્વ ઉજવ્યું

Thursday 07th November 2024 00:26 EST
 
 

લંડનઃ 31 ઓક્ટોબર ગુરુવાર લેસ્ટર માટે અદ્દભૂત ઉજવણીનો દિવસ બની રહ્યો હતો. સમગ્ર લેસ્ટરશાયર અને આસપાસના વિસ્તારોમાં વસતા સનાતન ધર્મી પરિવારોએ પ્રકાશના પર્વની ધામધૂમથી ઉજવણી કરી હતી. લેસ્ટરમાં દિવાળીની ઉજવણીની તૈયારી માટે હજારો કલાક કામ કરાયું હતું. ભારત બહાર લેસ્ટરની દિવાળી ઉજવણી વિશ્વમાં થતી સૌથી મોટી દિવાળી ઉજવણી પૈકીની એક છે.

દિવાળીની ઉજવણી માટે લેસ્ટરના બેલગ્રેવ રોડ પર માનવ મહેરામણ ઉમટ્યો હતો. સામુદાયિક સંગઠનો, મંદિરો અને પરિવારોમાં દિવાળીની વ્યાપક ઉત્સાહભેર ઉજવણી કરાઇ હતી. લેસ્ટરની જિપ્સી લેનમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે દિવાળીની ભવ્ય ઉજવણી કરાઇ હતી. જેમાં અંદાજિત 16000થી વધુ આસ્થાળુઓએ ભાગ લીધો હતો.

લેસ્ટરમાં ઘેર ઘેર રંગોળી જોવા મળી હતી. ઘરોને રોશનીથી શણગારવામાં આવ્યા હતા. ઘરોની બહાર પ્રગટાવાયેલા દીવાઓએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું. મિત્રો અને પરિવારો વચ્ચે મિઠાઇ અને ભેટોની આપલે થઇ હતી.

લેસ્ટરમાં ગુરુવારે રાત્રે દિવાળીની વાર્ષિક જાહેર ઉજવણી કરાઇ હતી. આ વખતે કાઉન્સિલ દ્વારા ખર્ચમાં કાપ મૂકવાનું કારણ આપીને સ્વિચ ઓન ઇવેન્ટ રદ કરી દેવાઇ હતી. તેમ છતાં હજારો લોકોએ બેલગ્રેવ રોડ પર ઉજવણી કરી હતી. ગુરુવારે સાંજે બેલગ્રેવ રોડ પર સરઘસનું આયોજન કરાયું હતું. કોસિંગ્ટન સ્ટ્રીટ રિક્રિએશન ગ્રાઉન્ડ ખાતે દિવાળી વિલેજમાં ગુરુવારે સાંજે સ્ટેજ પ્રોગ્રામ સહિત ફન રાઇડ્સ, ફૂડસ્ટોલ અને ફાયર ગાર્ડન ડિસ્પ્લેનું આયોજન કરાયું હતું. રાતના સમયે આતશબાજી કરાઇ હતી.

લેસ્ટરમાં તોફાનીઓએ લોકો અને ઘરો પર દારૂખાનુ છોડતાં પોલીસ ખડકાઇ

લેસ્ટરમાં દિવાળીના પર્વ નિમિત્તે લોકો અને ઇમારતોને નિશાન બનાવીને દારૂખાનુ ફોડાતા વધુ પોલીસ તહેનાત કરવામાં આવી હતી. દારૂખાનાના હુમલાના કારણે લોકોને દોડીને બચાવ કરતા વીડિયો ફૂટેજમાં જોઇ શકાતા હતા. બીજી નવેમ્બરના શનિવારે વહેલી સવારે બાથ લેન એરિયામાં આ પ્રકારની ઘટનાઓ જોવા મળી હતી. આ પ્રકારની ઘટનાઓના કારણે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ખડકી દેવાયાં હતાં. તોફાનીઓને સડકો પરથી હટાવવા માટે પોલીસને આદેશ અપાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter