લંડનઃ 4 જૂન 2024ના રોજ લેસ્ટરના બ્રાઉનસ્ટોન ખાતે એક પબ કાર પાર્કમાં પોલીસની વર્દીમાં સજ્જ અને પોલીસ પર જ ગોળીબાર કરનાર હરી માનને 3 વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે. હરી માન પબ કાર પાર્કમાં તેની મર્સિડિઝ કાર સાથે પહોંચ્યો હતો. ત્યાં તેને એક વ્યક્તિ સાથે તકરાર થતાં તેણે તેના તરફ હેન્ડ ગન તાકી દીધી હતી. જેના પગલે પોલીસ બોલાવવામાં આવી હતી. માને પોલીસ તરફ પણ ગોળીબાર કર્યાં હતાં. પોલીસે નાસવાનો પ્રયાસ કરી રહેલા માનને ઝડપી લીધો હતો. માને કસ્ટડીમાં હતો ત્યારે એક નર્સ પર હુમલાનો પણ પ્રયાસ કર્યો હતો.
પોલીસે માનના લેન્કેસ્ટર સ્થિત નિવાસસ્થાન પર દરોડો પાડ્યો ત્યારે ત્યાંથી વધુ એક ફાયર આર્મ મળી આવ્યું હતું. માનના ઘરમાંથી બનાવટી પોલીસ વર્દીઓ અને હાથકડી પણ જપ્ત કરાયાં હતાં. માનની પાસેથી બે કાર મળી આવી હતી જેના પર પોલીસ જેવી સાયરન અને બ્લૂ લાઇટ ઇક્વિપમેન્ટ લગાવેલાં હતાં.
ઓક્ટોબરમાં માને લેસ્ટર ક્રાઉન કોર્ટમાં પોતાના અપરાધ કબૂલી લીધાં હતાં. 31 જાન્યુઆરી 2025ના રોજ અદાલતે તેને 3 વર્ષ કેદની સજા ફટકારી હતી.