લેસ્ટરઃ પ્રેક્ટિસ કરતા જીપી સાથે નોંધણી કરાવનારા તેમજ ટાઈપ-૨ ડાયાબિટીસથી પીડાતા લોકો અથવા જેમને ડાયાબિટીસ થવાનું જોખમ હોય તેવા લોકો હવે લેસ્ટરમાં એક જ સ્થળેથી વિવિધ પ્રકારની સપોર્ટ સર્વિસ મેળવી શકશે. છ મહિનાના પાઈલોટ પ્રોજેક્ટ અંતર્ગત લેસ્ટરના સ્પીની હિલ રોડ પરના મર્લિન વાઝ હેલ્થ એન્ડ સોશિયલ કેર સેન્ટર ખાતે નવું ડાયાબિટીસ વિલેજ ખૂલ્લુ મૂકાયું છે.
આ વિલેજ લેસ્ટર સિટી ક્લિનિકલ કમિશનિંગ ગ્રૂપ (સીસીજી) દ્વારા લોકલ હેલ્થ ચેરિટી સિલ્વર સ્ટાર ડાયાબિટીસ સાથે મળીને તૈયાર કરાયેલો પ્રોજેક્ટ છે. બ્લડ સુગરની તપાસ, જીવનશૈલી વિશે સલાહ, પગની સંભાળ, આંખની તપાસ અને ડાયાબિટીસ વિશે માર્ગદર્શનના ક્લાસીસ સહિત ડાયાબિટીસના અસરકારક વ્યવસ્થાપન માટેની મહત્ત્વની વિવિધ સેવા પૂરી પડાશે.
અગાઉ દર્દીઓને બ્લડ સુગર અને ઈન્સ્યુલિનની તપાસ માટે જીપીની જુદી જુદી સેવા માટે અલગ મુલાકાત લેવી પડતી હતી. આ વિલેજમાં સ્થાનિક દર્દીઓ ગુરુવારે સવારે ૧૦થી સાંજે ૬ દરમિયાન આવીને જરૂરી સેવાઓ એક જ સ્થળે મેળવી શકશે. આ વિલેજમાં ઉપલબ્ધ સેવાઓનો લાભ જેમને ડાયાબિટીસ થવાનું વધુ જોખમ છે તેઓ પણ લઈ શકશે. તેમને ડાયાબિટીસનું નિદાન કરાવવાની જરૂર નથી.
લેસ્ટર સિટીમાં ડાયાબિટીસ ધરાવતા લોકોની સંખ્યા સરેરાશ કરતાં (રાષ્ટ્રીય ૬.૪ ટકાની સામે ૮.૯ ટકા) વધુ છે, જે ૨૦૨૫ સુધીમાં વધીને ૧૨ ટકા થવાની શક્યતા છે. લેસ્ટરમાં યુકેની રાષ્ટ્રીય સરેરાશ કરતાં બ્લેક માઈનોરિટી એથનીક (બીએમઈ)ની સંખ્યા વધારે છે. તેમને આનુવંશિક રીતે ડાયાબિટીસ થવાની વધુ શક્યતા હોય છે.
ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ ઓન ડાયાબિટીસના ચેરમેન અને લેસ્ટર ઈસ્ટના સાંસદ કિથ વાઝે જણાવ્યું હતું, ‘લેસ્ટર સિટી સીસીજીએ યુકેમાં પહેલું ડાયાબિટીસ વિલેજ બનાવવાનો પડકાર ઝીલ્યો તેનાથી હું ખૂબ આનંદિત છું. હવે ડાયાબિટીસને લગતી તમામ સેવા એક જ સ્થળેથી મળશે.’ લેસ્ટર સિટી ક્લિનિકલ કમિશનિંગ ગ્રૂપના ચેરમેન પ્રો. અઝહર ફારૂકીએ જણાવ્યું હતું,‘ અમે ઈચ્છીએ છીએ કે લોકો આ વિલેજનો લાભ લઈ આ વિલેજ તેમને જેવી સેવા જોઈએ તે મુજબ છે કે નહિ તે જણાવે.’