લંડનઃ લેસ્ટરશાયરમાં હિન્દુ અને શીખો માટેની સ્મશાન ભૂમિની યોજના પર મતભેદો સામે આવી રહ્યાં છે. સપ્ટેમ્બર 2024માં પહેલીવાર આ યોજનાનો પ્રસ્તાવ મૂકાયો હતો. સ્મશાન ભૂમિની તાતી જરૂરીયાત હોવાના દાવા છતાં પાર્કિંગ સહિતના મુદ્દાઓ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સીડીએસ ગ્રુપ દ્વારા તૈયાર કરાયેલી આ યોજના અંતર્ગત કીહામ લેનમાં આવેલ એક ફાર્મહાઉસ અને તેની આસપાસની ઇમારતોને દૂર કરીને સ્માશન ભૂમિ તૈયાર કરવાની હતી. જેમાં એક ડાઇનિંગ હોલ અને કાર પાર્કિંગની સુવિધાઓની પણ યોજના છે. પરંતુ આ યોજના મુદ્દે મતભેદો પ્રવર્તી રહ્યાં છે. હેરબરો ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલને સ્મશાન ભૂમિના સમર્થનમાં 54 જ્યારે વિરોધમાં 36 લેટર્સ પ્રાપ્ત થયાં છે. ગ્રેટ ગ્લેન ક્રિમેટોરિયમનું સંચાન કરતા વેસ્ટરલે ગ્રુપ દ્વારા પણ આ પ્રસ્તાવિત યોજનાનો વિરોધ કરાયો છે. ગ્રુપે દાવો કર્યો છે કે હિન્દુ અને શીખ સમુદાયો દ્વારા તેમના ક્રિમેટોરિયમનો ઉપયોગ કરવામાં આવે છે તેમ છતાં નવા ક્રિમેટોરિયમની યોજના તૈયાર કરાઇ છે.
સીડીએસ ગ્રુપે તેની અરજીમાં જણાવ્યું હતું કે, નવા ક્રિમેટોરિયમની તાતી જરૂર છે પરંતુ વેસ્ટરલે ગ્રુપ દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરાયો છે. ગ્રુપે જણાવ્યું હતું કે અમે અમારા વિસ્તારના હિન્દુ અને શીખ સમુદાયોની જરૂરીયાતોને પહોંચી વળવામાં સક્ષમ છીએ. સીડીએસ ગ્રુપ દ્વારા રજૂ કરાયેલો રિપોર્ટ ગેરમાર્ગે દોરનારો છે. ગ્રેટ ગ્લેન ક્રિમેટોરિયમનો પ્રારંભ 2017માં કરાયો હતો અને તે લેસ્ટર, લેસ્ટરશાયર અને રુટલેન્ડના હિન્દુ અને શીખ સમુદાયોની જરૂરીયાતોને સંપુર્ણપણે પૂરી કરે છે. સીડીએસ ગ્રુપે જણાવ્યું છે કે કાઉન્ટીમાં આ પ્રકારના ધર્મલક્ષી ક્રિમેટોરિયમની તાતી જરૂર છે.
સીડીએસ ગ્રુપના સમર્થકોએ જણાવ્યું હતું કે, આ સુવિધાના કારણે લેસ્ટરશાયરમાં જીવનની ગુણવત્તામાં વધારો થશે. વધી રહેલી વસતીની જરૂરીયાતો પૂરી કરવા માટે આ ક્રિમેટોરિયમની તાતી જરૂર છે. હિન્દુ અને શીખ સમુદાયો માટે ધર્મલક્ષી ક્રિમેટોરિયમ સ્વજનના નિધન સમયે આ સમુદાયોની આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને પરંપરા તથા રિવાજો માટે અત્યંત જરૂરી છે.