લંડનઃ હાઈ કોર્ટે ગયા વર્ષે સોલિસીટર્સ રેગ્યુલેટરી ઓથોરિટી (SRA) દ્વારા બંધ કરી દેવાયેલી લો ફર્મ જાર્મન્સ સોલિસીટર્સના નોન-લોયર માલિક ડોરોટા ન્યૂમેનની લંડન અને એક્ષ્ટર સહિતની સંપતિઓ સામે ફ્રીઝીંગ ઓર્ડર જારી કર્યો છે. પૂર્વ માલિક જય સિંહ સાહોતાના જણાવ્યા મૂજબ તેના અને તેની પત્ની જોતિ કૌર સાહોતાના જાર્મન્સ સોલિસીટર્સના નોન-લોયર માલિક ડોરોટા ન્યૂમેન પાસે 346,000 પાઉન્ડ લેણાં નીકળે છે.
ડોરોટા ન્યૂમેને કેન્ટના સિટિંગબોર્ન ખાતેની જાર્મન્સ સોલિસીટર્સ કંપનીને 2022માં હસ્તગત કરી હતી. કંપનીઝ હાઉસમાં પેશન ડિઝાઈનર તરીકે નોંધાયેલી ન્યૂમેન સામે અપ્રામાણિકતાની શંકા રાખવાનું કારણ જણાતા SRA દ્વારા જાર્મન્સને માર્ચ 2024માં બંધ કરી દેવાઈ હતી. ઓથોરિટીએ ગયા મહિને મિસ ન્યૂમેનને લો ફર્મ્સમાં કામ કરવા કે સંચાલન કરવા માટે ગેરલાયક જાહેર કર્યા હતા. મિસ ન્યૂમેને ક્લાયન્ટ પાસેથી ઓફિસ એકાઉન્ટમાં 18 અયોગ્ય ટ્રાન્સફર કરવાને મંજુરી આપી હતી જેના પરિણામે, ક્લાયન્ટના એકાઉન્ટમાં 3700 પાઉન્ડની ઘટ પડી હતી. ન્યૂમેન SRAના હિસાબી નિયમો અનુસાર ફર્મના હિસાબોને જાળવવામાં પણ નિષ્ફળ રહી હતી.