લંડનઃ સામાન્યપણે એમ બોલાય છે કે ‘મર્દ કો દર્દ નહિ હોતા’ પરંતુ, 14 વર્ષીય ‘મર્દાની’ ઓલિવિયા ફાર્ન્સવર્થને પીડા શું કહેવાય તેની જ ખબર નથી. આટલું જ નહિ, તેને ખાવા, પીવા કે ઊંઘવાની પણ પડી હોતી નથી. એક અર્થમાં તેને ‘બાયોનિક ગર્લ’ અથવા તો યાંત્રિક બાળા પણ કહી શકાય. ઓલિવિયાની આ હાલત તેની અનોખી જિનેટિક સ્થિતિના કારણે છે. વિશ્વમાં તે કદાચ એકમાત્ર આવી દુર્લભ ‘ક્રોમોઝોમ 6 ડિલેશન’ નામે જિનેટિક કંડિશન ધરાવતી હોવાનું કહેવાય છે. સાદા શબ્દોમાં કહીએ તો તેના છઠ્ઠા રંગસૂત્ર એટલે કે ક્રોમોઝોમમાં જિનેટિક સામગ્રીનો અભાવ છે. આમ તો વિશ્વમાં આ પ્રકારના 100 લોકો હોવાનું કહેવાય છે પરંતુ, ઓલિવિયા એકમાત્ર ‘બાયોનિક ગર્લ’ એટલા માટે છે કે તેનામાં સુપરહ્યુમન જેવાં ત્રણ લક્ષણો વિશિષ્ટ છે.
યોર્કશાયરના હડર્સફિલ્ડની ઓલિવિયા તાજેતરમાં એક કાર સાથે અથડાઈને રોડ પર 10 ફૂટ જેટલું ઘસડાઈ હતી પરંતુ, તેને કોઈ પીડા ન અનુભવાઈ અને ઉભી થઈને જાણે કશું જ બન્યું ન હોય તેમ હસતાં હસતાં માતા નિકી તરફ ચાલવાં લાગી હતી.
તેની માતા અને અન્ય બાળકોએ ચીસાચીસ કરી મૂકી પરંતુ, ઓલિવિયાને ભય લાગ્યો હોય તેવી કોઈ જ અસર ન હતી. હોસ્પિટલના કહેવા મુજબ તે બાયોનિક છે કારણ કે તે જે રીતે અથડાઈને ઘસડાઈ હતી તેના કારણે તેને ઘણી ઈજા અને અસહ્ય પીડા થવી જોઈતી હતી. અલબત્ત, ઓલિવિયાને ઈજા તો પહોંચી જ હતી, પણ અકસ્માતની સરખામણીએ બહુ થોડી. તેના હિપ્સની ચામડી ઉખડી ગઈ હતી, તેની છાતી પર ટાયરના નિશાન પડ્યાં હતાં. ડોક્ટરોને પણ નવાઈ લાગી કે તેની ઈજા ઘણી ગંભીર ન હતી. ડોક્ટરોનું કહેવું છે કે ભય અનુભવવાની તેની અક્ષમતાના લીધે શરીરે ભારે દબાણ ન અનુભવ્યું અને અથડામણની મોટા ભાગની અસરને શરીરમાં જ સમાવી લીધી હતી.
ઓલિવિયાની માતા નિકી ટ્રેપાક કહે છે કે તેની દીકરી નાનપણથી જ આવી છે. તે રોતી ન હતી કે તેના વાળ પણ ઉગ્યા ન હતા. તે ખાવામાં પણ મોજીલી હતી. તેણે એક વર્ષ સુધી બટર સેન્ડવિચ સિવાય કશું જ ખાધું ન હતું. આરોગ્યપ્રદ ખોરાક નહિ ખાય તો ભૂખી રહી જઈશ તેવી માતાપિતાની ધમકીની તેના પર કોઈ અસર થતી નહિ કારણ કે તેને ભૂખ જ લાગતી ન હતી. નાની હતી ત્યારે દિવસમાં સૂતી જ ન હતી એટલે તેને ઊંઘવાની દવાઓ આપવી પડતી હતી. બાળપણમાં પડી જવાથી તેનો હોઠ કપાઈ ગયો હતો ત્યારે તે હોસ્પિટલમાં સર્જનો સામે જોઈને હસતી હતી.
‘ક્રોમોઝોમ 6p ડિલેશન’ એટલે શું?
માણસના રંગસૂત્રોમાં છઠ્ઠા રંગસૂત્રની ટુંકી શાખામાં જિનેટિક મટિરિયલની નકલ જ ન હોય ત્યારે આ સ્થિતિ સર્જાય છે. આ સામગ્રી કેટલી ઓછી છે કે ક્યાં ઓછી છે તેના પર લક્ષણોની તીવ્રતા દેખાય છે. ‘ક્રોમોઝોમ 6p ડિલેશન’ ધરાવતા લોકોમાં વિકાસ કે વૃદ્ધિ મોડાં થાય, બૌદ્ધિક અક્ષમતા, વર્તનની સમસ્યા તેમજ ચહેરાના વિશિષ્ટ લક્ષણો જોવાં મળે છે. દરેક વ્યક્તિના લક્ષણો અને તીવ્રતાના આધારે તેની સારવાર થઈ શકે છે. આવા લોકોને ક્રોમોઝોમ ડિસઓર્ડર સપોર્ટ ગ્રૂપ યુનિક - Unique દ્વારા મદદ કરાય છે. પૂર્વ રિસર્ચ બાયોલોજિસ્ટ ચીફ એક્ઝિક્યુટિવ ડો. બીવર્લી સીઅર્લે કહે છે કે, તેમણે વિશ્વમાં સાંભળેલો ઓલિવિયાનો એક માત્ર કેસ છે.