લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ઈંગ્લેન્ડને લોકડાઉનમાંથી બહાર કાઢવાના રોડમેપના આગામી તબક્કામાં આગળ વધવા ચાર પરીક્ષણો પરિપૂર્ણ થતા આગામી સપ્તાહ એટલે કે સોમવાર ૧૨ એપ્રિલથી આઉટડોર હોસ્પિટાલિટી અને બિનઆવશ્યક રીટેઈલ ફરીથી ખુલી શકશે તેવી જાહેરાત કરી છે. કોરોના વાઈરસ સંક્રમણ અને મૃત્યુની સંખ્યા સતત ઘટતી જવાથી ઈનડોર ઈકોનોમીના મહત્ત્વના અંગો ૧૨ એપ્રિલથી ગ્રાહકોને આવકારશે. વડા પ્રધાને આગામી મહિને એટલે કે ૧૭ મેથી મર્યાદિત સ્થળો માટે વિદેશ પ્રવાસ શરુ કરી શકાય તેવી આશા વ્યક્ત કરી હતી.
દુકાનો, જીમ્સ, ઝૂ, હોલીડે કેમ્પસાઈટ્સ, હેરડ્રેસર્સ જેવી અંગત કાળજીની સેવા તેમજ બિયર ગાર્ડન્સ અને તમામ આઉટડોર હોસ્પિટાલિટીને ત્રણ મહિનામાં પહેલી વખત ફરીથી ખોલી શકાશે. પબ્સ, બાર અને રેસ્ટોરાં જેવાં હોસ્પિટાલિટી સ્થળો માત્ર આઉટડોર માટે જ ખોલી શકાશે અને ગ્રાહકોએ છ વ્યક્તિથી વધુ નહિ અથવા બે પરિવારોના જૂથમાં બેસીને જમવા અને ડ્રિન્કનો ઓર્ડર આપવાનો રહેશે.
જોકે, સામાજિક સંપર્કના નિયમો, સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત ઘણા નિયમો ઓછામાં ઓછાં ૧૭ મે સુધી યથાવત રહેશે. આ નિર્ણય વેક્સિનેશન કાર્યક્રમ સફળતાથી આગળ વધવા • જેમને વેક્સિન અપાયું છે તેવા લોકોમાં હોસ્પિટાલાઈઝેશન અને મૃત્યુની સંખ્યા ઘટાડવામાં વેક્સિનની નોંધપાત્ર સફળતા • સંક્રમણ દરથી NHS પર ભારે બોજો આવે તેવા હોસ્પિટાલાઈઝેશનમાં ઉછાળાનું જોખમ નથી, અને
• નવા કોવિડ વેરિએન્ટ્સથી જોખમના સ્તરમાં મૂળભૂત ચાર પરીક્ષણોના આધારે લેવાયો હતો. જ્હોન્સને જણાવ્યું હતું કે વેક્સિન રોલઆઉટ યોગ્યપણે આગળ વધી રહ્યું છે.
જ્હોન્સનની જાહેરાતોના મુખ્ય મુદ્દા
• ૧૨ એપ્રિલથી દુકાનો, પબ્સ, બાર ખુલશેઃ જ્હોન્સને સ્પષ્ટ કર્યું છે કે રોડ મેપ મુજબ ઈંગ્લેન્ડમાં સોમવાર ૧૨ એપ્રિલથી બિનઆવશ્યક ચીજવસ્તુઓની દુકાનો, જીમ્સ, હેરડ્રેસર્સ અને લાઈબ્રેરીઓ ખુલી જશે. પબ્સ અને રેસ્ટોરાંને ગ્રાહકોને આઉટડોર સર્વિસની છૂટ મળશે.
ઘરથી દૂર રાત્રિરોકાણની પણ છૂટ અપાશે. ઝૂ અને થીમ પાર્ક્સ સહિત મોટા ભાગના આઉટડોર સેટિંગ્સ અને આકર્ષણ સ્થળોને ખોલી શકાશે.
• વિદેશ પ્રવાસઃ આંતરરાષ્ટ્રીય પ્રવાસની હજુ છૂટ અપાઈ નથી પરંતુ, રોડ મેપ મુજબ ૧૭ મેથી ફ્લાઈટ્સ શરુ કરાશે જ તેવી ખાતરી આપવાનું પણ વડા પ્રધાને નકાર્યું છે. બ્રિટનમાં ૧૭ મેથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ શરૂ કરવા તૈયારી ચાલે છે અને નવી કોરોના ટ્રાફિક લાઈટ સિસ્ટમમાં વિશ્વના દેશોને રેડ, યલો અને ગ્રીન વિસ્તારોમાં વહેંચાશે. ગ્રીન યાદીના દેશોથી આવનારા નાગરિકોને બ્રિટનમાં ક્વોરેન્ટાઈન કરાશે નહિ. જોકે, લોકોએ પ્રવાસના શરૂ કરતા પહેલાં અને બ્રિટન પહોંચતા તેમણે કોરોના ટેસ્ટ કરાવવો પડશે. જોકે, ગ્રીન દેશો કયા હશે તે કહેવું કવેળાનું ગણાશે તેમ મિનિસ્ટર્સે જણાવ્યું હતું, ક્વોરન્ટાઈન, આઈસોલેશન રેડ અને યલો દેશોમાંથી આવનારા નાગરિકો પર જ લાગુ પડશે.
• વેક્સિન પાસપોર્ટઃ વડા પ્રધાને ‘કોવિડ સ્ટેટસ સર્ટિફિકેશન’ અથવા વેક્સિન પાસપોર્ટના ઉપયોગ બાબતે વ્હાઈટહોલની સમીક્ષાના પ્રાથમિક તારણો જાહેર કર્યા હતા. આ દસ્તાવેજ NHS એપના સ્વરુપમાં હશે જેમાં વેક્સિનેશન, ટેસ્ટિંગ અને ઈમ્યુનિટી ડેટાનું સંયોજન હશે અને મોટા પાયાના કાર્યક્રમોમાં હાજરી માટે તેનો ઉપયોગ કરાશે. સરકારે પબ્સ અને રેસ્ટોરાંની સુવિધા મેળવવા આ દસ્તાવેજોના ઉપયોગ માટે દ્વાર ખુલ્લાં મૂક્યા છે.
• વર્કિંગ ફ્રોમ હોમ અને સોશિયલ ડિસ્ટન્સિંગઃ સરકારી રીવ્યૂના પ્રાથમિક તારણો અનુસાર વર્ક ફ્રોમ હોમ અને સોશિયલ ડિસ્ટન્સિંગ રોડ મેપની આખરી તારીખ ૨૧ જૂનથી પણ આગળ વધી શકે છે. ૧ મીટર+નિયમ તેમજ વર્ક ફ્રોમ હોમ સહિતના નિયંત્રણો ઉઠાવી લેવા કે સુધારવાનું ક્યારે અને કેવી રીતે સુરક્ષિત રહેશે તે ચકાસાઈ રહ્યું છે. આખરી નિર્ણય મહામારીની સ્થિતિને આધારિત રહેશે.
• દર્શકો માટે કાર્યક્રમોમાં હાજરીઃ જીવંત કાર્યક્રમોમાં ઓડિયન્સને પાછા લાવવાના શ્રેષ્ઠ માર્ગો શોધવા અલગ અલગ સ્થળોએ શ્રેણીબદ્ધ પાઈલટ પ્રોગ્રામ્સ યોજવામાં આવશે. આવા કાર્યક્રમોને વેક્સિન પાસપોર્ટ ઈનિશિયેટિવ સાથે સાંકળી લેવાશે. આવા સ્થળોમાં શેફિલ્ડમાં ક્રુસિબલ ખાતે વર્લ્ડ સ્નૂકર ચેમ્પિયનશિપ અને લિવરપૂલમાં સર્કસ નાઈટક્લબનો સમાવેશ કરાયો છે. ૧૫ મેએ વેમ્બલી ખાતે FA કપ ફાઈનલ માટે ૨૦,૦૦૦ દર્શકો સુધીની ભીડને પ્રવેશ આપવાની પણ આશા છે.
• સામાન્ય સ્થિતિ તરફ આગેકદમઃ સરકારની SAGE કમિટીના નવા પેપરમાં જણાવાયું છે કે વડા પ્રધાનના રોડ મેપ અનુસાર બધું થાય તો પણ આ ઉનાળામાં સંપૂર્ણ જીવન નોર્મલ નહિ થાય. કોરોના વાઈરસ વેક્સિન્સ મોટા ભાગના લોકોને સંક્રમિત થતાં કે મૃત્યુ પામતા અટકાવશે પરંતુ, મોટી મહામારીનો ભય રાખ્યા વિના તમામ નિયંત્રણો હટાવી લેવાય તે પૂરતાં અસરકારક નથી. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવા સહિતના પાયારુપ પગલાં તો આગામી વર્ષના આ સમય સુધી પણ અમલમાં રાખવા પડશે.