લંડનઃ સમગ્ર દેશમાં કોરોના વાઈરસનો ડેલ્ટા વેરિએન્ટ પ્રસરવા સાથે કેસ અને મૃત્યુના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે તેને લક્ષમાં રાખી બોરિસ જ્હોન્સન અને મિનિસ્ટર્સ સાવચેતીના પગલાં તરીકે જૂન ૨૧ના આઝાદી દિનને વધુ ચાર સપ્તાહ લંબાવવા સહમત થયા છે. હવે દેશ ૧૯ જુલાઈના રોજ અનલોક થશે. નિર્ણયની જાહેરાત સાથે જ સેંકડો લોકો વિરોધ પ્રદર્શિત કરવા ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે ઉમટી પડ્યા હતા. જોકે, આ નિર્ણય સૌથી ખરાબ આર્થિક હાલતમાં આવી પડેલા હોસ્પિટાલિટી સેક્ટર સહિતના બિઝનેસીસનો ભાર વધારશે. ટોરી સાંસદો પણ નિર્ણયથી રાજી નથી. સરકારનું કહેવું છે કે આ ચાર સપ્તાહના વિલંબનો સમય દેશના વધુ ૧૦ મિલિયન લોકોને મહત્તમ વેક્સિનેશનના ઉપયોગમાં લેવાશે. ડેલ્ટા વેરિઅન્ટના રવિવારે ૭,૪૯૦ કેસ નોંધાતા નિષ્ણાતોને આગામી અઠવાડિયાઓમાં હોસ્પિટલાઈઝેશન વધવા ડર છે.
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને લોકડાઉન નિયંત્રણોમાંથી બહાર આવવાના ૨૧ જૂનના ‘આઝાદી દિન’ને ચાર સપ્તાહ એટલે કે ૧૯ જુલાઈ સુધી લંબાવવાની જાહેરાત કરતા બ્રિટિશરોને ધીરજ રાખવાનો અનુરોધ કર્યો હતો. આ સમયગાળા દરમિયાન મહત્ત્મ લોકોને કોરોના વેક્સિન લગાવી દેવાશે જેથી વાઈરસ સામે સુરક્ષાકવચ પણ મજબૂત બની જશે.
દરમિયાન, ટોરી સાંસદો, હોસ્પિટાલિટી સહિત બિઝનેસીસ ગ્રૂપ્સના રોષને ઠારવા વડા પ્રધાને આર્થિક ભીંસ અનુભવી રહેલા બિઝનેસીસ-ઉદ્યોગોને આ વિલંબથી રાહત આપવા માટે લગ્ન સમારંભોમાં હાજર રહી શકનારા મહેમાનોની સંખ્યા પરની મર્યાદા હટાવી લીધી છે. સ્પોર્ટિંગ ઈવેન્ટ્સમાં આઉટડોર બેઠક સંખ્યામાં વધારો કર્યો છે.
હેલ્થ મિનિસ્ટર એડવર્ડ અર્ગારે બીબીસી બ્રેકફાસ્ટ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે આ વિલંબના પરિણામે વેક્સિનેશનની સંખ્યામાં ઘણો વધારો થઈ શકશે. જો વર્તમાન દરે રોજના આશરે અઢીથી ત્રણ લાખ લોકોને આપી શકાય છે તે એક મહિનામાં આશરે ૧૦ મિલિયન લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપી શકાશે જે, કોરોના વાઈરસને ખાળવામાં સહાયરુપ બની જશે.
વડા પ્રધાન જ્હોન્સને લોકડાઉન નિયંત્રણો ૧૯ જુલાઈ સુધી લંબાવવાની જાહેરાત કરવા સાથે જ એન્ટી-લોકડાઉન અને એન્ટી-વેક્સિન લોકોએ માસ્ક પહેર્યા વિના જ સરકારના સૂચિત નિર્ણયનો વિરોધ કરવા માટે વડાપ્રધાનના નિવાસસ્થાન ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે રેલી કાઢી હતી. ટ્વીટર પર વિરોધ-પ્રદર્શનના સંખ્યાબંધ વીડિયોઝ ફરતા કરાયા હતા, જેમાં માસ્ક નહિ પહેરેલા સેંકડો લોકો ‘ફ્રીડમ’, ‘વી આર ફ્રી’,ના સૂત્રોચ્ચાર સાથે વ્હાઈટહોલ થઈ ડાઉનિંગ સ્ટ્રીટ તરફ જતા જોવા મળ્યા હતા. આ દેખાવકારોએ માસ્ક પહેરવાનું અને ટેસ્ટિંગ કરવાનું બંધ કરવાની માગણી કરતાં જણાવ્યું હતું કે મીડિયા વાઇરસ છે. આ નિયંત્રણો હજુ ઓગસ્ટ મહિના સુધી લંબાવવાની આશંકા પણ દર્શાવાય છે. પગલે બીજી તરફ વિજ્ઞાનીઓ અને આરોગ્ય અધિકારીઓએ કોરોના નિયંત્રણો હટાવવાના કાર્યક્રમને વિલંબમાં મુકવાની માગણી કરી રસીકરણને વધારે વ્યાપક બનાવવા પર ભાર મુક્યો હતો.