લંડનઃ સ્થાનિક સરકારોમાં પ્રસ્તાવિત બદલાવો અંતર્ગત ડઝનો કાઉન્સિલ રદ થાય તેવી સંભાવના છે. 50 કરતાં વધુ વર્ષો બાદ સરકાર સ્થાનિક સરકારોમાં મોટાપાયે બદલાવની તૈયારી કરી રહી છે. એસેક્સ, કેન્ટ, સરે અને હર્ટફોર્ડશાયર સહિતની કાઉન્ટીઓમાં તેમના સંચાલન માટે ધરમૂળથી બદલાવ કરાશે. તેમને વધુ સત્તાની સાથે સાથે વ્હાઇટહોલ દ્વારા વધુ આર્થિક સહાય પણ અપાશે. નોરફોક અને સફોક જેવી કાઉન્ટીઓની પુનઃરચના કરાશે. તેમની ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલો નાબૂદ કરાશે અને તેમને નવા સત્તામંડળમાં સામેલ કરાશે.
હાલ સમગ્ર ઇંગ્લેન્ડમાં 21 કાઉન્ટી કાર્યરત છે અને 164 ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ તેમના તાબામાં કામ કરે છે. કાઉન્ટી કાઉન્સિલોને ટ્રાન્સપોર્ટ અને સોશિયલ કેર સહિતની સત્તાઓ હોય છે જ્યારે ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલો કચરો ઉપાડવા અને રોજિંદી પ્લાનિંગ પરમિશન જેવી જવાબદારીઓ નિભાવે છે.
સરકારનું માનવું છે કે ટુ ટાયર લોકલ ગવર્મેન્ટ સ્ટ્રક્ચર પુરતાં કાર્યક્ષમ નથી. ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલો રોકડ અનામતોનો સંગ્રહ કરે છે અને જાહેર સેવાઓ પર ખર્ચ કરતી નથી. તેઓ હાઉસિંગ ડેવલપમેન્ટનો વિરોધ કરીને સ્થાનિક વિકાસ પણ અટકાવે છે.
સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, અમે કાઉન્સિલો સાથે વ્યાપક ચર્ચા કરી છે અને સુધારાના સમર્થન માટે સક્રિય રીતે કામ કરી રહ્યાં છીએ. સરકારે દેશના 10 વિસ્તારોને આ સુધારા માટે અલગ તારવી લીધાં છે. જેમાં ઓછામાં ઓછા પાંચ લાખની વસતી ધરાવતા વિસ્તારોમાં ટુ ટાયર લોકલ સિસ્ટમના સ્થાને યુનિટરી ઓથોરિટીઝની રચના કરાશે.